સોમનાથ,27 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો. વાયોલીનવાદક મૈસૂર મંજૂનાથ અને સુમંત મંજૂનાથે 'હંસધ્વની' રાગથી શરૂ કરીને 'ચારૂકેશી' રાગમાં તાલબદ્ધ રાગ છેડી એક પછી એક અતિસુંદર પ્રસ્તુતીઓ રજૂ કરી હતી. મૃદંગ મેસ્ટ્રો તરીકે ખ્યાત ડૉ.તીરૂવરૂર ભક્તવત્સલમે બન્ને મહારથીઓનો એવો સાથ આપ્યો હતો કે વાયોલિન સાથે મૃદંગની એક-એક થાપે શ્રોતાઓને તાળીઓ પાડવા પ્રેર્યા હતાં.શ્રોતાઓએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' , 'સુંદર શંકર શશિશેખરા સોમનાથ ભવ: સહિતની 'શિવસ્તુતિ' અને અન્ય પ્રસ્તુતિઓને એકચિત્તે માણી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ