પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના દેખરેખ હેઠળ ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી ટીમો દ્રારા પીએમ આવાસોના નવા સર્વે તથા જુના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.પોરબંદર જિલ્લામાં પીએમ આવાસ યોજના ગ્રામીણથી ગ્રામ્યકક્ષાએ એકપણ લાભાર્થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. સર્વેના કારણે પીએમ આવાસ થી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે.ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સમગ્ર દેશભરમાં જરૂરીયાતમંદ પરિવારને પાકું મકાન આપવા માટે મક્કમ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા માટે પોરબંદર જિલ્લાના 143 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં નવા 1700 લાભાર્થીઓ નોંધાયા છે.
કેન્દ્ર સરકાર દ્રારા ગરીબ લોકો કે જેઓ પાસે ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં 6 વર્ષ બાદ નવા આવાસના ઘરના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.જરૂરીયાતમંદ પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્રારા પ્રયાસો હાથ ધરી સર્વેની કામગીરી પ્રગતિમાં છે. ગામમાં લાભાર્થીઓના આધારકાર્ડ, બેંક પાસબુક, રાશનકાર્ડ અને જોબ કાર્ડ સહિતની વિગતો સાથે મોબાઈલ એપ્લિકેશન દ્રારા રજીસ્ટ્રેશન કરી ઘર વિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya