વલસાડ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સમગ્ર વિશ્વમાંથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. આ તીર્થયાત્રા દરમિયાન ટ્રેન, ફ્લાઇટ અને ખાનગી ટ્રાવેલ્સમાં લાંબુ લચક વેઇટિંગના કારણે મહાકુંભના સંગમ સ્નાનમાં લાભ લેવાના અરમાન અધૂરા રહે તેમ હતું પરંતુ નાગરિકની સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સુવિધાની હર પલ ચિંતા કરતી ગુજરાત સરકારે જી.એસ.આર.ટી.સી.ની વોલ્વો એસટી બસ સેવા ઉપલબ્ધ કરાવતા અનેક શ્રધ્ધાળુઓએ મહાકુંભમાં ડુબકી મારી પુણ્યનું ભાથુ બાંધ્યુ છે. આ પૈકી વાપીના છરવાડા ખાતે રહેતા દંપતીએ પણ સંગમ સ્નાન કરી ધન્યતા અનુભવી છે. આ પુણ્ય કાર્યમાં ગુજરાત સરકાર સહભાગી બનતા તેઓએ જીએસઆરટીસીની સેવાની પ્રશંસા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસની સરાહના કરી છે.
પ્રયાગરાજ મહાકુંભની તીર્થ યાત્રાના અનુભવને વર્ણવતા વાપીના છરવાડા ખાતે ગ્રીનવુડ સોસાયટીમાં રહેતા યાત્રાળુ રાહુલ ચોટાઈ કહે છે કે, 144 વર્ષે આવેલા મહાકુંભમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી, જેથી ટ્રેન, ખાનગી ટ્રાવેલ્સ અને છેલ્લે ફલાઈટમાં પણ તપાસ કરી હતી પરંતુ ભારે ધસારાના કારણે ટીકીટ મળતી ન હતી. પ્રાઈવેટ વાહન લઈને જવુ મુશ્કેલ લાગતુ હતું. આ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી એસટીની વોલ્વો બસ દ્વારા મહાકુંભમાં જવાની સેવા શરૂ કરવામાં આવી હતી જેની જાણ થતા બુકિંગ માટે પ્રયાસ કર્યો પરંતુ માત્ર બે જ કલાકમાં તમામ સીટ ફૂલ થઈ ગઈ હતી. મને મનમાં એવુ હતું કે, અમદાવાદ બાદ સુરતથી પણ આ સેવા શરૂ કરશે જેથી હું રાહ જોતો હતો અને થોડા જ દિવસમાં સુરતથી પણ વોલ્વોનો પ્રારંભ કરાતા મે તાત્કાલિક મારી અને મારી પત્ની બીનાની ટીકીટ બુક કરી લીધી હતી. તા. 20 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ માટે સુરતથી પ્રયાણ કર્યુ અને 23 ફેબ્રુ.ના રોજ મધ્યરાત્રિ દરમિયાન પરત સુરત ફરવા દરમ્યાન ગુજરાત સરકારના આયોજનથી મહાકુંભની તીર્થ યાત્રા જીવનભર અવિસ્મરણીય સ્મૃતિ બની છે. ગુજરાત સરકારે ખૂબ જ વ્યાજબી દરે યાત્રા દરમિયાન 2 ડ્રાઇવર અને 1 કંડકટર સહિત ઉતારાની સુંદર, સ્વચ્છ અને સુઘડ વ્યવસ્થા કરી હતી. શરૂઆતમાં અમને શંકા હતી કે, એસ.ટી.માં મુસાફરી કરવાની છે તો કેવો અનુભવ થશે કે કેવી વ્યવસ્થા હશે? પરંતુ મુસાફરી દરમિયાન સ્ટાફનો ખૂબ જ સહકાર મળ્યો, પરિવારની જેમ અમે સૌ સાથે રહ્યા. સરકારની વ્યવસ્થા જોઈ અન્યને પણ જી.એસ.આર.ટી.સી.ની મુસાફરીનો લાભ લેવા જણાવ્યું હતું. આ સુંદર આયોજન બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનીએ છે.
રાહુલભાઈના ધર્મપત્ની બીનાબેન ચોટાઈએ પણ જી.એસ.આર.ટી.સી.ની સેવાને બિરદાવતા જણાવ્યું કે, સરકારના આ સુંદર આયોજનમાં મહિલાઓની સુરક્ષા તથા સિનિયર સિટીઝનને પણ તકલીફ ન પડે તેની કાળજી લેવામાં આવી હતી. ડ્રાઈવર અને કંડકટરનું વર્તન પણ ખૂબ સારૂ હતું. રાત્રિ રોકાણ માટે મધ્યપ્રદેશના બારણમાં થ્રી સ્ટાર હોટલની વ્યવસ્થા કરી હતી અને સવાર સાંજ બે ટાઈમ નાસ્તો પણ કરાવ્યો હતો. બસમાં કોઈ પ્રકારની અગવડ પડી ન હતી. સંગમ ઘાટ પર કંઇ રીતે જવું તે અંગે પણ સ્ટાફ દ્વારા માર્ગદર્શન મળ્યું હતું. અમે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતાનો અનુભવ કર્યો છે. મહાકુંભ મેળાની તીર્થયાત્રાને સફળ અને સલામત બનાવવાનો જશ ગુજરાત સરકારને ફાળે જાય છે. ગુજરાત સરકારે પુણ્યના કાર્યમાં સહયોગ આપીને ભગીરથ કાર્ય કર્યું છે. સરકાર આ પ્રકારે અયોધ્યા, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી જેવા મુખ્ય યાત્રાધામો માટે બસ સેવા શરૂ કરે તેવી લાગણી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે