વડોદરા/અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી, ધાન્ય અને ફળોના વાવેતરના ઉત્તમ પરિણામો મળે છે, ત્યારે આજે વાત કરીશું મકાઇની પ્રાકૃતિક ખેતી વિશે જે શ્રેષ્ઠ ઉત્પાદન આપે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મકાઇના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર જોઈએ.
મકાઈની ગુજરાત મકાઈ-2,4,6 નર્મદા મોતી, ગંગા સફેદ-2 જેવી સુધારેલી જાતોની વાવણી 15 જૂન થી 15 જુલાઈ દરમિયાન 90 x 20 સેન્ટીમીટરના અંતરે અને 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો દર રાખી વાવેતર કરવું
સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા મકાઈનાં બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીનજન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને 1 એકર જમીનમાં નાખવું. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર 200 લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટવું.
રાસાયણિક ખેતીમાથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો. પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે 'બેક ટુ બેઝિક'ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.
હિન્દુસ્થાન સમાચાર/
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ