વલસાડ, 10 જૂન (હિ.સ.)- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ‘‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો’’ થીમ સાથે પર્યાવરણની જાળવણીમાં જાગૃત્તા માટે વોકેથોનનું આયોજન કરવામા આવ્યું હતું.
શહેરની બાઈ આવાબાઇ હાઈસ્કૂલના મેદાનમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, પ્રાંત અધિકારી વિમલ પટેલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા લીલી ઝંડી બતાવી વોકેથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી માત્ર આજના દિવસ પૂરતી સીમિત ન રાખતા સમગ્ર વર્ષ દરમિયાન પર્યાવરણની જાળવણી કરીએ, વૃક્ષો વાવી જતન કરીએ અને પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહીએ એવુ સૂચન જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાએ કર્યુ હતું.
ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણની જાળવણી માટે પ્રતિજ્ઞા લઈ વોકેથોન શરૂ કરી હતી. વોકેથોન આવાબાઈ હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ થઈ હાલર ચાર રસ્તા, જિલ્લા સેવા સદન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી થઈ કલ્યાણ બાગ સર્કલથી બાઈ આવાબાઈ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. વોકેથોનમાં એનસીસી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વિવિધ સ્પોર્ટ્સ ક્લબ તેમજ વલસાડના જાગૃત નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશ પટેલ, જિલ્લા રમત અધિકારી જી.જી.વળવી, રમત ગમત વિભાગના કોચ અને ટ્રેનરોએ આયોજન સફળ કરવા મહેનત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન નિલેશ કોસીયાએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે