પાટણ, 9 જૂન (હિ.સ.) : ખાનપુરડા ગામની પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25ની NMMS પરીક્ષામાં શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના કુલ 7 વિદ્યાર્થીઓએ મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે, જેમાંથી 4 વિદ્યાર્થીઓએ જિલ્લાના ટોપ ટેન મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
આ સફળતા પાછળ શિક્ષકો, માતા-પિતા અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસો છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષક શ્રી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે મેરીટમાં સ્થાન મેળવનાર દરેક વિદ્યાર્થીને કેન્દ્ર સરકાર તરફથી રૂ. 48,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેમણે ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શાળાની આ સિદ્ધિને લઈ જિલ્લાના શિક્ષણાધિકારીએ તેમજ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમંડળને શુભેચ્છાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર