વરાછામાં કોયલી ખાડી પર તાણી દેવાયેલ 50થી વધુ ગેરકાયદેસર મિલકતોનું ડિમોલીશન
સુરત, 18 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકા દ્વારા ખાડીપુરની કાયમી સમસ્યા વિરૂદ્ધ મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા ખાનગી પુલ સહિત મોટા પાયે ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂ
Surat


સુરત, 18 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકા દ્વારા ખાડીપુરની કાયમી સમસ્યા વિરૂદ્ધ મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા ખાનગી પુલ સહિત મોટા પાયે ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે વરાછા ઝોનમાં કોયલી ખાડી કિનારે તાણી દેવામાં આવેલી ગેરકાયદેસર મિલ્કતોનાં ડિમોલીશન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે મિલ્કતદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારથી હાથ ધરવામાં આવેલી ડિમોલીશનની કાર્યવાહી દરમિયાન વરાછા ઝોનનાં ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

શહેરમાંથી પસાર થતી મીઠી ખાડી સહિતનાં ખાડીઓમાં દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે ખાડીપુરની સમસ્યા કાયમી થઈ ચુકી છે. આ વર્ષે પણ ખાડીપુરને કારણે નિચાણવાળા વિસ્તારોમાં ચાર - ચાર દિવસ સુધી ખાડીપુરનાં પાણી ન ઓસરતાં લાખો નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને પગલે રાજ્ય સરકાર દ્વારા ખાડીપુરની સમસ્યા દુર કરવા અંગે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી હતી. કમિટીનાં અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા છેલ્લા પાંચ દિવસથી શહેરનાં લિંબાયત, ઉધના અને અઠવા સહિત વરાછા ઝોનમાંથી પસાર થતી ખાડીઓ પરનાં દબાણોથી માંડીને ગેરકાયદેસર પુલો દુર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન વરાછા ઝોન - એમાં સમાવિષ્ટ કરંજમાં જવાહર નગર ખાતે કોયલી ખાડી કિનારે 50 મિલ્કતદારો દ્વારા ખાડી પુરાણ કરીને ગેરકાયદેસર મિલ્કતો તાણી દેવામાં આવી હતી.

આ અંગે મિલ્કતદારો દ્વારા 2023માં હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જો કે, હાઈકોર્ટ દ્વારા મિલ્કતદારોની રિટને ફગાવી દેવાં પાલિકા દ્વારા મિલ્કતોનાં ડિમોલીશન માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જવાહર નગરમાં મોટા પાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાડીનાં વહેણને અવરોધવાની સાથે - સાથે ખાડી પર પુરાણ કરીને ઉભી કરવામાં આવેલી મિલ્કતોમાં મોટા ભાગે કોર્મશિયલ મિલ્કત હોવાને કારણે એક તબક્કે મિલ્કતદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

5 પીઆઈ સહિત 150 પોલીસ જવાનો ખડેપગે

વરાછા ઝોન - એમાંથી પસાર થતી કોયલી ખાડી કિનારે જવાહર નગરમાં વર્ષો પહેલાં સ્થાનિકો દ્વારા ખાડીપુરાણ કરીને મિલ્કતો ઉભી કરી દેવામાં આવી હતી. જો કે, મિલ્કતદારો દ્વારા ડિમોલીશનનું ભુત ધુણે તે પહેલાં જ હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. અલબત્ત, હાઈકોર્ટ દ્વારા રિટ રદ્દબાતલ કરી દેતાં આજે પાલિકા દ્વારા મોટા પાયે ડિમોલીશનની કામગીરી શરૂ કરી છે. જો કે, સ્થાનિક મિલ્કતદારોનાં વિરોધની શક્યતાને પગલે પાલિકા દ્વારા ડીસીપી, એસીપી અને પાંચ પીઆઈ સહિત 150 પોલીસ જવાનોનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ ઉચ્ચાધિકારીઓની હાજરીને પગલે સ્થાનિક મિલ્કતદારોમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande