પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરોએ સંયુક્ત રીતે 18 જુલાઈ, 2025ના રોજ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની થીમ ગુણવત્તા માનક, ઉજ્જવળ ભવિષ્ય તરફ હતી. પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના 9 શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત 200 સામાન્ય મુલાકાતીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ભારતીય માનક બ્યુરોના અધિકારી સંદીપભાઈ ચાવડાએ, વિદ્યાર્થીઓને જીવનમાં ગુણવત્તા માનકોના મહત્વ અંગે માહિતગાર કર્યા હતા. સાયન્સ સેન્ટરના નિષ્ણાતોએ ફૂટબોલમાં ઉપયોગ થતા નિશ્ચિત માનકો વિશે માહિતિ આપી હતી, જેથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાન પ્રત્યે રસ વધે.
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે ક્વિઝ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો વિજ્ઞાન શિક્ષણને અસરકારક અને રસપ્રદ બનાવવામાં મદદરૂપ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર