સુરત, 19 જુલાઈ (હિ.સ.)- મોટા વરાછા વિસ્તારમાં રહેતા એલ.આઈ.સી. એજન્ટ સાથે 17 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. ભાઠા ખાતે રહેતા ભલાળા દંપતિઍ તેની ધારી તાલુકાના કરમદડી ગામે આવેલ જમીન વેચાણ કરી તેમની પાસેથી પૈસા પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા. ઍટલુ જ નહી જમીન ઉપર 58 લાખનું ધિરાણ પણ મેળવ્યું હતું. ઍલઆઈસી ઍજન્ટની ફરિયાદને આધારે પોલીસે ભાલાળા દંપતિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
બનાવની વિગત ઍવી છે કે,હંસ સોસાયટી.મોટા વરાછાખાતે રહેતા એલ.આઈ.સી.એજન્ટ રસીકભાઈ વલ્લભભાઈ વઘાસીયા અને તેના ભાઈ દિનકર વઘાસીયાએ 8 સપ્ટેમ્બર 2010માં શૈલેષ નનુભાઈ ભાલાળા, તેની પત્ની ઉર્વશીબેન શૈલેષ ભાલાળા (રહે, ગેલેક્ષી એવન્ચ્યુરા, સ્તુતિ યુનિવર્સલ પાસે, ગ્રીનસીટી રોડ,ભાઠા)એ પાસેથી ધારી તાલૂકાના કરમદડી ગામમાં આવેલ જમીન રૂપિયા 17,21,200માં ખરીદી હતી. ભાલાળા દંપતિએ જમીનના નોટોરાઈઝ સાટાખત પણ કરી આપ્યા હતા. જાકે જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી આપવા માટે અવાર નવાર કહેવા છતાંયે દસ્તાવેજ કરી આપતા ન હતા. બીજી તરફ રસીકભાઈએ તપાસ કરતા દંપતિએ જમીન ઉપર 58 લાખનું ધિરાણ લીધુ હોવાનુ બહાર આવ્યું હતું. રસીકભાઈને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે દંપતિ દ્વારા છેતરપિંડી કરવામં આવી છે અને આ મામલે ગતરોજ વરાછા પોલીસમાં તેમની સામે ફરિયાદ નોધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે