પાટણ, 19 જુલાઈ (હિ.સ.)સરવાલ નજીક હારિજથી રાધનપુર હાઇવે પર આવેલો 25 વર્ષ જૂનો ખંડિત બ્રિજ હજુ સુધી હટાવાયો નથી. 1960માં પાણીના વ્હોળા ઉપર બનાવાયેલો આ બ્રિજ 2001ના ભૂકંપમાં નબળો પડ્યો હતો. ત્યારબાદ તંત્રએ બાજુમાં નવીન બ્રિજ તો બનાવી દીધો, પરંતુ જૂનો બ્રિજ આજદિન સુધી અસ્થિર હાલતમાં ઊભો છે અને હવે તે ધરાશાયી થવાની કગાર પર છે.
આ બ્રિજ આજુબાજુના પશુપાલકો માટે પણ જોખમરૂપ બની ગયો છે. માલઢોરો પાણીમાંથી પસાર થાય છે અને સ્થિતિ સમજવાની અસમર્થતાને કારણે દુર્ઘટનાની શક્યતા વધી છે. આ સ્થિતિ અંગે અનેક જાગૃત નાગરિકોએ તંત્રને રજૂઆત પણ કરી છે.
છતાંય તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ અનિચ્છનીય ઘટના બનવાની રાહ જોયા વિના તંત્રએ તાત્કાલિક પગલાં લેવું જોઈએ અને ખંડિત બ્રિજ હટાવી સુરક્ષિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર