નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 40 કરોડ રૂપિયાનું 4 કિલોથી વધુ કોકીન જપ્ત કર્યું અને એક વ્યક્તિની ધરપકડ કરી.
નાણા મંત્રાલયે શનિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડીઆરઆઈ ના બેંગલુરુ પ્રાદેશિક એકમના અધિકારીઓએ, શુક્રવારે સવારે બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 40 કરોડ રૂપિયાના 4 કિલોથી વધુ કોકીન સાથે એક પુરુષ મુસાફરને પકડી પાડ્યો હતો.
તેના સામાનની તપાસ કરતાં, ડીઆરઆઈ અધિકારીઓએ શોધી કાઢ્યું કે, તે બે સુપરહીરો કોમિક્સ/મેગેઝિન લઈ જઈ રહ્યો હતો, જે અસામાન્ય રીતે ભારે હતા. તપાસ દરમિયાન, અધિકારીઓએ મેગેઝિનના કવરમાં છુપાયેલ સફેદ પાવડર જપ્ત કર્યો. જપ્ત કરાયેલ કોકીનનું વજન 4,006 ગ્રામ (4 કિલોથી વધુ) હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 40 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, તે એનડીપીએસ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ પછી, મુસાફરની એનડીપીએસ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેને 18 જુલાઈના રોજ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ