નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). દિલ્હીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ઓફિસમાં તૈનાત આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર (એએઓ) ની, સીબીઆઈ દ્વારા 40 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. 18 જુલાઈના રોજ સીબીઆઈને ફરિયાદ મળી હતી કે, બીએસએફ ઓફિસમાં તૈનાત એએઓ ધર્મેન્દ્ર કુમાર વર્મા બે લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યા છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી એએઓએ તેમના પગાર અને બાકી બિલ ચૂકવવા બદલ 15 થી 20 ટકા લાંચ માંગી હતી, જે કુલ બે લાખ રૂપિયા જેટલી હતી. વાતચીત દરમિયાન, ફરિયાદી પાસેથી આખી રકમ લેવાનું નક્કી થયું હતું. સીબીઆઈએ આ બાબતને ગંભીરતાથી લીધી અને છટકું ગોઠવ્યું અને આરોપી એએઓને રંગે હાથે ધરપકડ કરી.
એએઓ ધર્મેન્દ્ર, ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તા તરીકે 40 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. આ રકમ બે લાખ રૂપિયાની કુલ માંગણીનો એક ભાગ હતી. સીબીઆઈએ તેમને સ્થળ પરથી કસ્ટડીમાં લીધા અને વધુ તપાસ શરૂ કરી. હાલમાં, સીબીઆઈ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ સમગ્ર કૌભાંડમાં બીજું કોણ સંડોવાયું છે. આમાં અન્ય અધિકારીઓ કે કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ