ભુજ - કચ્છ, 19 જુલાઈ(હિ.સ.) : અંજાર તાલુકાના સાપેડાથી નાગલપરના વાડી વિસ્તારને જોડતા માર્ગનું કામ અટવાયેલું હોવાથી તેને સમયસર શરૂ કરાવીને પૂરું કરાવવા માટે પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણ આહીરે રજૂઆત કરી છે. અંજાર-ભુજ-ગાંધીધામ અને મુંદરા માટે આ બાયપાસ ખૂબ જ મહત્ત્વનો છે. માતબર રકમના ખર્ચ નિર્માણ થનારા આ બાયપાસ માર્ગનું કામ ખોરંભે ચડયું છે.
ઉદ્યોગો માટે પણ આ રસ્તો મહત્ત્વનો
અહીંના સાપેડા-નાગલપર બાયપાસ માર્ગનું કામ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે. આહિરે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક અને નાયબ કલેક્ટર સમક્ષને રૂબરૂ રજૂઆત કરી હતી. પરિવહન ઉદ્યોગકારોને સ્પર્શતા મહત્ત્વના આ મુદ્દે ખૂટતી કડીઓની પૂર્તતા કરીને આ પ્રકલ્પ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કરાયો હતો.
આઠ દિવસમાં મોટરેબલ રસ્તો તૈયાર કરાશે
નાયબ કલેક્ટર દ્વારા હંગામી ધોરણે આઠ દિવસમાં મોર્ટેબલ રસ્તો શરૂ કરવાની હૈયાધારણ અપાઈ હતી. આ માર્ગ શરૂ થવાથી અંજાર શહેરની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. રજૂઆત વેળાએ ડમ્પર એસો.ના રમેશભાઈ કાતરિયા, સાપેડાના પૂર્વ સરપંચ માદેવાભાઈ બરારિયા, રાજેશભાઈ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA