સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરે બુલેરો દ્વારા લઈ જવાતા સસ્તા અનાજ સાથે રૂ. 5.47 લાખનો મુદ્દામાલ કબ્જે
ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકામાં વધુ એક વખત સસ્તા અનાજના કાળા ધંધાનો પર્દાફાશ થયો છે. સુત્રાપાડા તાલુકાના કદવાર ગામ નજીક આવેલ હીરાકોટ બંદર પર મોડી રાત્રે સુત્રાપાડા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા એક બુલેરોને રોકી તપાસ કરવામાં આવી હતી.
સસ્તા અનાજ સાથે રૂ. 5.47 લાખનો મુદ્દામાલ કબ્જે


ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.)

સુત્રાપાડા તાલુકામાં વધુ એક વખત સસ્તા અનાજના કાળા ધંધાનો પર્દાફાશ થયો છે. સુત્રાપાડા તાલુકાના કદવાર ગામ નજીક આવેલ હીરાકોટ બંદર પર મોડી રાત્રે સુત્રાપાડા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા એક બુલેરોને રોકી તપાસ કરવામાં આવી હતી. બુલેરો (નંબર GJ-06-AZ-3357) માંથી લોકોને કંટ્રોલના માધ્યમથી મળતા સસ્તા અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

મામલતદાર ટીમે સ્થળ પર તપાસ કરતાં બુલેરોમાંથી 24 બાચકા ઘઉં અને 10 બાચકા ચોખા મળી આવ્યા હતા, જેની બિલેરો સહિત કુલ કિંમત લગભગ રૂ. 5,47,100 થાય છે. આરોપી રફીક હુસૈન ગુલામઅલી નકવી દ્વારા ચલાવાતી આ બુલેરો દ્વારા મોટાપાયે અનાજ કથિત રીતે ગેરકાયદેસર રીતે હીરાકોટ બંદર માંથી લઈ જવામાં આવી રહ્યું હતું.

આ મુદ્દામાલને તાત્કાલિક રીતે કબ્જે લઈ સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ખાતે આવેલ ગોડાઉનમાં જમા કરવામાં આવ્યો છે. હાલ મામલતદાર કચેરી દ્વારા આ અનાજ ક્યાંથી ઉઘરાવવામાં આવ્યું હતું અને કયા સ્થાને ડિલિવરી કરવાનું હતું એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુત્રાપાડા તાલુકામાં લાંબા સમયથી એવા ફેરિયાઓ અને દલાલોનો માફિયા સંચાલિત રેકેટ ચાલી રહ્યો હોવાની ફરિયાદો જાગૃત નાગરિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂ કરાઈ હતી. આ કેસમાં પકડાયેલા અનાજના જથ્થા અને વાહન સહિતની કાર્યવાહી સરકારના કંટ્રોલ અનાજ વિતરણના નિયંત્રણો સામે સર્જાતા ભંગ માટે મોટો ઇશારો સમાન છે.

મામલતદાર કચેરી દ્વારા જણાવ્યું છે કે આવા પ્રકારના ગેરકાયદેસર અનાજ વેપાર સામે વધુ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કાયદેસર પગલાં લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande