ભાવનગર 19 જુલાઈ (હિ.સ.) આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સિહોરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, AAM ગુંદાળા (ટાણા) અને RBSK ટીમ ટાણા દ્વારા સંકલિત રીતે સ્વામી વિવેકાનંદ શાળા બેકડી મુકામે આરોગ્ય જાગૃતિ અને સેવાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોરાનાશક કામગીરી, મચ્છરોના ઉપદ્રવને કેવી રીતે અટકાવવું અને પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગોથી બચવા માટે નિત્ય જીવનમાં અપનાવવાની સાવધાની વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
શાળાના બાળકોની આરોગ્ય તપાસ પણ હાથ ધરવામાં આવી હતી જેમાં TD (ટેટનસ ડિફ્થેરિયા) રસીકરણ તેમજ હિમોગ્લોબિન લેવલની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા બાળકોને પોષણ અંગે માર્ગદર્શન આપીને તેમના પિત્ત તથા લોહીની કમીને દૂર કરવા માટે જરૂરી સલાહો આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય કર્મચારીઓએ બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ આરોગ્ય શાખા ભાવનગરની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek