રાજકોટ 19 જુલાઈ (હિ.સ.) : રાજકોટ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા તેમના પરિવારજનો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અને ઝનાના હોસ્પિટલ, રાજકોટ ખાતે યોજાયેલા આ આરોગ્ય કેમ્પમાં વિવિધ પ્રકારના સ્ક્રિનિંગ તથા તબીબી તપાસો કરવામાં આવી. આજના સમયમાં સતત વધતી નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (NCD) જેવી કે કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી બીમારીઓનું સમયસર નિદાન કરીને અસરકારક સારવાર શરૂ કરવી ખૂબ જ આવશ્યક બની ગઈ છે.
આ કેમ્પમાં જિલ્લા પંચાયતના વિવિધ પદાધિકારીશmઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લઈ આર્મિ કૅમ્પની સુવિધાનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા કેન્સર સ્ક્રીનિંગની સુવિધા આપવામાં આવી હતી. સાથે સાથે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર સહિતના રોગોની પણ નિઃશુલ્ક તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે તજજ્ઞો દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રકારના આરોગ્ય કેમ્પના આયોજનથી લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે છે તેમજ પ્રાથમિક તબક્કે જ રોગોના નિદાન થવાથી ગંભીર પરિસ્થિતિઓ ટાળવી શક્ય બને છે. અંતે, જિલ્લા પંચાયત દ્વારા તબીબી ટીમ તથા સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek