તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકની જાહેરાત - સીરિયા અને ઇઝરાયલ યુદ્ધવિરામ પર સંમત
અંકારા (તુર્કી), નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે શુક્રવારે જણાવ્યું હતું કે, સીરિયા અને ઇઝરાયલ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે, આ કરારને તુર્કી, જોર્ડન અને અન્ય પડોશી દેશોએ સ્વીકાર્યો છે. બેરેક સીરિયામાં
ઇઝરાયલ ના હુમલા પછી નું દ્રશ્ય


અંકારા (તુર્કી), નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે શુક્રવારે જણાવ્યું હતું કે, સીરિયા અને ઇઝરાયલ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે, આ કરારને તુર્કી, જોર્ડન અને અન્ય પડોશી દેશોએ સ્વીકાર્યો છે. બેરેક સીરિયામાં અમેરિકાના ખાસ રાજદૂત પણ છે. તેમણે એક્સ પોસ્ટ પર આ માહિતી શેર કરી.

સીએનએન ચેનલના સમાચાર અનુસાર, બેરેકે ડ્રુઝ, બેડોઇન અને સુન્નીઓને શસ્ત્રો મૂકવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે, આ લોકોએ અન્ય લઘુમતીઓ સાથે એક થવું જોઈએ અને તેમના પડોશીઓ સાથે શાંતિ અને સમૃદ્ધિમાં એક થઈને સીરિયન ઓળખ બનાવવી જોઈએ. બીજી તરફ, સીરિયામાં અમેરિકાના ખાસ રાજદૂત બેરેકની જાહેરાત પર કોઈ પક્ષે ટિપ્પણી કરી નથી.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે બુધવારે સીરિયા પર હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલે કહ્યું હતું કે, તે આરબ ધાર્મિક લઘુમતી ડ્રુઝનું રક્ષણ કરશે. સીરિયામાં સરમુખત્યાર બશર અલ-અસદના પતન પછી, સરકાર તરફી દળો અને ડ્રુઝ વચ્ચેની અથડામણમાં ઘણા લોકો માર્યા ગયા છે. દમાસ્કસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં અનેક સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી. ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. સીરિયન ટેલિવિઝન ચેનલના એક વીડિયોમાં સંરક્ષણ મંત્રાલયની ઇમારત પર હુમલો જીવંત પ્રસારણમાં દર્શાવવામાં આવ્યો હતો. આ દરમિયાન, એન્કરને છુપાવવું પડ્યું હતું.

સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાએ બુધવારે રાત્રે સ્થાનિક સમય મુજબ કહ્યું હતું કે, સીરિયન સેના સુવાયદાથી પીછેહઠ કરી રહી છે. આ પછી અલ-શારાની સરકારે, ડ્રુઝ જૂથો સાથે નવા યુદ્ધવિરામની પણ જાહેરાત કરી હતી. તે જ સમયે અમેરિકાએ, વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી અને સંઘર્ષને ઉકેલવા માટે રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા.

તુર્કીના વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ, શુક્રવારે તુર્કીના વિદેશ મંત્રી હાકન ફિદાન સાથે ફોન પર આ બાબતે ચર્ચા કરી હતી. રુબિયોએ બુધવારે રાત્રે કહ્યું હતું કે, સંઘર્ષમાં સામેલ તમામ પક્ષો પરિસ્થિતિને ઉકેલવા માટે સંમત થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande