જુનાગઢ, 19 જુલાઈ (હિ.સ.)
દર મહિને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મહિલાઓને દર મહિને રૂ. ૧૨૫૦ ની સહાય આપવામાં આવે છે. જિલ્લામાં કુલ ૩૯,૨૪૩ ગંગાસ્વરૂપા બહેનોને રૂપિયા ૪ કરોડ ૯૨ લાખની સહાય ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે.
નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓ સન્માનપૂર્વક જીવી શકે અને તેમનું સમાજમાં યોગ્ય પુનઃ સ્થાપન થઈ શકે તેવા ઉમદા હેતુથી નિરાધાર ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૧૯૭૯ થી અમલમાં છે.
જૂનાગઢ શહેરમાં ગંગાસ્વરૂપા મહિલાઓની સંખ્યા ૭૯૮૧,જૂનાગઢ ગ્રામ્યમાં ૪૧૩૮,કેશોદમાં ૪૩૦૫,માંગરોળમાં ૩૮૩૦,માણાવદરમાં ૩૯૯૧,માળીયાહાટીના ૩૯૫૧,મેંદરડામાં ૨૬૧૬,ભેંસાણમાં ૨૫૫૯,વંથલીમાં ૨૮૬૫,વિસાવદરમાં ૩૧૮૭ એમ કુલ ૩૯,૪૨૩ ગંગાસ્વરૂપા મહિલાઓને સહાય ચૂકવવામાં આવી રહી છે.
આ યોજના અંતર્ગત ૧૮ વર્ષ કે તેથી વધુ વયના ગંગાસ્વરૂપા મહિલાઓના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષાની રૂપિયા ૧,૨૦,૦૦૦ તથા શહેરી કક્ષાએ રૂ. ૧,૫૦,૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય ગંગા સ્વરૂપા મહિલાઓને માસિક રૂપિયા ૧૨૫૦ ની આર્થિક સહાય ડીબીટી થી આપવામાં આવે છે.
અરજી ફોર્મ સાથે રજૂ કરવાના આધાર પુરાવાઓમાં ફોર્મ, ફોટો, પતિના અવસાનનો દાખલો આવકનો દાખલો, પાસબુકની નકલ,રહેણાંકનો પુરાવો,મહિલાનો ઉંમરનો પુરાવો, રેશનકાર્ડની નકલ,પુનઃ લગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.અરજી તાલુકા મામલતદાર ની કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ