ભુજ - કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) કચ્છના અંતરિયાળ ગામોને જોડતા અને તાલુકા સાથે જિલ્લા મથકને જોડતા રસ્તાઓ ઉપર સુધારણાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. ત્યારે ગ્રામીણ અને દૂરના તાલુકા લખપત તરફના માર્ગો ઉપર માર્કિંગ સહિતની સુધારણા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રસ્તાઓની બાજુઓ ધોવાઇ જતાં વાહન ઉપરનું બેલેન્સ ન ખોવાય કે સ્લીપ ન થવાય એ મુજબ બાજુઓમાં પટ્ટા દોરાયા છે.
રસ્તા ઉપર વાહનો યોગ્ય રીતે ચાલે એ મુજબ માર્કિંગ
વરસાદ બાદ રસ્તાની પાસે ઝાડીઓનું સામ્રાજ્ય વધી ગયા બાદ આ માર્કિંગના લીધે લોકો વધુ પડતા રસ્તાની બાજુએ વાહન ન ચલાવે તેની તકેદારીના ભાગરૂપ આ કામગીરી ચાલી રહી છે. રોડની આજુબાજુની ઝાડી કટિંગ, ટ્રી-ટ્રીમીંગ તેમજ વાહનચાલકોની સેફ્ટીને લઈને વિવિધ કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
બમ્પ ઉપર પણ કલર કરીને સાવચેતી વર્તાઇ
ભુજથી લખપતને જોડતા રોડ પર વિવિધ જગ્યાએ વાહનચાલકોની સેફ્ટી માટે રોડ માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બમ્પ ઉપર પણ કલરથી માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ વાહનચાલકોની સલામતીને લઈને તબક્કાવાર રીતે ખાડાઓના પુરાણ, મેટલિંગ, ડામર પેચવર્ક, ઝાડી કટિંગ અને રોડ માર્કિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. વરસાદી સિઝનમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરીંગ સાથે જ નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ વિવિધ કામગીરી આરંભાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA