પાટણ, 19 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલે મહત્વપૂર્ણ દફતરી હુકમ બહાર પાડ્યો છે, જેમાં મહિલા નગરસેવિકાઓના પતિઓને પાલિકાના વહીવટમાં દખલ કરવાની પરવાનગી નહીં હોય. સરકાર તરફથી પણ ધ્યાન આપવામાં આવ્યું છે કે કેટલાક પતિઓ તેમની પત્નીનું દાવ પેછાણ લઈને વિવિધ શાખાઓમાંથી પરિપત્રો, ઠરાવો અને માહિતી એકત્ર કરે છે.
ચેરમેન પટેલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી છે કે હવે મહિલા સભ્યોના પતિઓને કોઈપણ પ્રકારના શાખાકીય કામકાજ માટે કારોબારી ચેરમેનની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આવા દખલને અટકાવવા આ કડક હુકમ અમલમાં મૂકાયો છે.
કેટલાક પતિઓ નગરપાલિકા વિરુદ્ધ પત્રવ્યવહાર પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે, જે પાલિકા હિત વિરુદ્ધ છે. જો કોઈ શાખા અધિકારી કે કર્મચારી આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પાલિકાના વહીવટમાં પારદર્શિતા અને શિસ્ત લાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર