ભુજ – કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) નખત્રાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં બીએસએનએલ દૂરસંચાર મોબાઈલ ટાવરના નેટવર્કના અભાવે લોકોને સંકટ સમયે સર્જાતી મુશ્કેલી બાબતે ફરિયાદ કરાઈ હતી. જોવાનું એ છે કે, આ અંગેની ફરિયાદ પ્રાંત અધિકારીની સંકલન બેઠક સુધી પહોંચી છે.
થાન, ધિણોધર સહિતના અંતરિયાળ ભાગો સુધી ધાંધિયા
ગોધિયાર મોટીના જાગૃત નાગરિક ઘનશ્યામસિંહ નગજી સોઢાએ દૂરસંચારની અનિયમિત સેવાથી આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, થાન જાગીર, ગોધિયાર મોટી, ભીમસર, ઓલટ, હીરાપર ગામમાં બીએસએનએલના ટાવરો આવેલા છે. મોબાઈલમાં નેટવર્ક પૂર્ણ આવે છે, જ્યારે ફોન લગાવતી વખતે ફોન લાગતો નથી. આ અંગે કંપનીના અધિકારીઓઁને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાની રાવ ઊઠી હતી.
અન્ય કંપનીના ટાવરના જોડાણની પણ માગણી
પ્રાંત અધિકારી કચેરી ખાતે પ્રતિ માસ યોજાતી તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં આ સંદર્ભે ફરિયાદ કરાઈ હોવા છતાં અધિકારીઓ દ્વારા ઉકેલ અપાયો ન હોવાનું જણાવ્યું હતું. બીમારી, પ્રસૂતિ, આગ જેવા કુદરતી સંકટો સમયે સર્જાતી મુશ્કેલી નિવારવા વિકલ્પ તરીકે અન્ય કંપનીના ટાવરમાં જોડાણ માટેની માંગ કરાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA