પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન રાધનપુરમાં દોઢ ઇંચ, પાટણમાં એક ઇંચ, સિદ્ધપુરમાં 14 મિમી અને સરસ્વતીમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. રાધનપુરમાં રાત્રે પણ વરસાદ થયો હતો, જેના કારણે રાધનપુર-મસાલી રોડ, હાઈવે ચાર રસ્તા અને મેઈન બજારમાં પાણી ભરાઈ ગયું છે.
પાટણ શહેરમાં સામાન્ય વરસાદ છતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના પ્રવેશદ્વાર રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું છે. બી.એમ. સ્કૂલથી આનંદ સરોવર માર્ગ અને પારેવા સર્કલથી ખારકશા પીર માર્ગ પર પણ પાણી ભરાયા છે.
નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાણી નિકાલની લાઇન અને ચેમ્બરોની યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવતા હાલત વણસી છે. ચેમ્બરોમાં માટી અને કચરો ભરાયેલો હોવાથી વરસાદી પાણીની જમાવટ સર્જાઈ છે. આ સ્થિતિ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. બીજી તરફ, ખેડૂતોમાં વરસાદને કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયક છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર