પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ-સિદ્ધપુર હાઈવે પર આવેલી સુરમ્ય રેસિડેન્સીમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા માર્ચ મહિનામાં ગેસ પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, આ કામગીરી બાદ ખોદકામનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. પરિણામે સોસાયટીમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે અને વરંડો પણ ધરાશાયી થયો છે.
સ્થાનિક રહીશ હિમાંશુભાઈ મકવાણાના જણાવ્યા મુજબ, ચાર મહિના વીતી ગયા હોવા છતાં રહીશો હજુ સુધી ગેસ કનેક્શનથી વંચિત છે. ખોદકામની જગ્યાઓ ખુલ્લી હોવાને કારણે નગરપાલિકાની કચરા ગાડીને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને બાળકો માટે ખુલ્લા ભુવા જોખમ ઊભું કરે છે.
રહિશોએ ઘણા વખતથી સાબરમતી ગેસ એજન્સીના મેનેજરને રજૂઆતો કરી છે, છતાં માત્ર આશ્વાસન જ મળે છે. હવે રહીશોએ તાત્કાલિક ગેસ કનેક્શન આપવા અને તમામ ખોદકામવાળી જગ્યાઓનું યોગ્ય પુરાણ કરવાની માંગ ઉઠાવી છે, જેથી કોઈ ગંભીર અકસ્માત ન બને અને રહીશોને રાહત મળે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર