-હીરાસર એરપોર્ટ ઉપર દિલ્હી-રાજકોટ ફલાઇટ હાઇજેક ત્રાસવાદીઓએ બે સાથીને છોડી-પ૦ કરોડ માંગ્યા
-મુસાફરોમાં ફફડાટઃ આખરે મોકડ્રીલ જાહેર થતા હાશકારોઃ તમામ ટીમ સફળ : સુરક્ષા જવાનો-કમાન્ડોએ સફળ ઓપરેશન પાર પાડી ત્રાસવાદીઓને ઝડપી લીધા
રાજકોટ, 19 જુલાઈ (હિ.સ.) રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આજે એન્ટી હાઇજેકીંગ મોકડ્રિલ યોજાઈ હતી. આ મોકડ્રીલના ભાગરૂપે આતંકવાદીઓએ દિલ્હી-રાજકોટની ફલાઇટ હાઇજેક કરી મુસાફરોને પ્લેનમાં બંધક બનાવ્યા હતા. જેના પગલે એન્ટી હાઇજેકીંગ કમિટી દ્વારા સફળ ઓપરેશન પાર પાડી આ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતાં. આ મોક એક્સરસાઇઝ અંતર્ગત એરપોર્ટ ખાતે સાયરન વાગતા સુરક્ષા દળના જવાનોએ તુરંત પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
ફલાઇટ હાઇજેકના સમાચાર મળતાં જ એરોડ્રોમ કમિટીના તમામ સભ્યો અને અધિકારીઓ ગણતરીની મિનિટોમાં એરપોર્ટ આવી પહોચ્યા હતા.
મુસાફરોને મુક્ત કરવા માટે એરોડ્રોમ કમિટીના સભ્યો સમક્ષ આતંકવાદીઓએ પોતાની શરતો મૂકી હતી, જેમાં ભારત સરકારે પકડેલા આતંકવાદીઓના બે સાથીઓને મુક્ત કરવા સાથે રૂ. ૫૦ કરોડ આપી અને તમામ આતંકવાદીઓને પોતાના વતન સુરક્ષિત પહોચાડવામાં આવે તેવી માંગણી મુકાઈ હતી. એરોડ્રોમ કમિટી અને સુરક્ષા દળના જવાનોએ પરિસ્થિતિ સંભાળતા સફળ ઓપરેશન કરી આતંકવાદીઓને પકડી પાડ્યા હતા અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
પ્રશાસન દ્વારા આ સમગ્ર ઘટના અંતે મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ બાદ એરોડ્રોમ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમા ફ્લાઇટ હાઇજેક થાય તો તુરંત કરવાની કાર્યવાહી સહિત વિવિધ મુદ્દે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી. પ્લેન હાઈજેકિંગ મોકડ્રિલ અંતર્ગત, એરોડ્રોમ કમિટી દ્વારા પેસેન્જરની સુરક્ષા, કમ્યુનિકેશન, લો એન્ડ ઓર્ડર જાળવણી, બ્લડ બેન્ક, ડોક્ટર સહિત હોસ્પિટલની સુવિધાઓ, ફૂડ પેકેટ, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ બેઠકમાં ડી.સી.પી. સજ્જન સિંહ પરમાર, એ.સી.પી. આર.એસ.બારીયા તથા એરોડ્રામ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ