પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 25 જુલાઈ, 2025ના રોજ D.Litt પદવી અને ગોલ્ડ મેડલ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં વર્ષ 2020થી 2023 સુધીના કુલ 413 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત થશે. સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે JNUના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરને D.Litt પદવી એનાયત કરવામાં આવશે. ડૉ. કપિલ કપૂરે 1996થી 1999 સુધી JNUના ભાષા વિભાગના ડીન અને 1999થી 2002 દરમિયાન રેક્ટર તરીકે સેવા આપી છે.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ જણાવ્યું કે આગામી વર્ષથી 6 નવા વિષયોમાં ગોલ્ડ મેડલ આપવામાં આવશે, જેમાં હિસ્ટ્રી, બીબીએ, બીકોમ સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, એમએસસી જનરલ નર્સિંગ અને બીપીટીનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર