પાટણ, 19 જુલાઈ (હિ.સ.)રાધનપુરથી મહેસાણાને જોડતા માર્ગ પર બનાસ નદીના પુલ પર એક ગંભીર ઘટના બની છે. આ પુલ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં એક આઇસર ચાલકે નિયમનો ભંગ કર્યો હતો. તંત્રએ પુલની સુરક્ષા માટે બંને બાજુ લોખંડના બેરિકેટ લગાવ્યા હતા, પરંતુ આ બેરિકેટ લગાવ્યાના થોડા કલાકોમાં જ આઇસર ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવીને તેને તોડી નાખ્યા હતા.
ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આઇસર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ ફરીથી ભારે વાહન ચાલકોની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો મુદ્દો સામે લાવ્યો છે. માર્ગ સલામતી માટે તંત્રે લીધેલા પગલાંની અવગણના ચિંતાજનક બાબત બની છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર