પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ-ચાણસ્મા હાઈવે પર ગુજરાત વિદ્યુત બોર્ડની બાજુમાં આવેલા હરિપુરા અને મલપરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે. તેની અસરથી શાળાકીય બાળકો અને રોજગારી માટે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણી ભરાવાને કારણે કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પણ વિસ્તારમાં પ્રવેશી શકતા નથી. વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
રહીશો અને બાળકોના આરોગ્યને લઈને ચિંતિત છે, કારણ કે ભરાયેલા પાણીએ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી કરી છે. તેમની માંગ છે કે તાત્કાલિક કાયમી ગટર વ્યવસ્થા ઊભી કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર