હિમાચલમાં આફતો અંગે અમિત શાહ ગંભીર, નિષ્ણાતોની કેન્દ્રીય ટીમ રચાઈ
શિમલા, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). હિમાચલ પ્રદેશમાં વારંવાર બનતી કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ટીમમાં રાષ્ટ્રીય આફત વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ), સ
હિમાચલમાં પૂરથી વિનાશ


શિમલા, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). હિમાચલ પ્રદેશમાં વારંવાર બનતી કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ટીમમાં રાષ્ટ્રીય આફત વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ), સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીબીઆરઆઈ) રૂરકી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીરોલોજી (આઈઆઈટીએમ) પુણે, ભૂસ્તરશાસ્ત્રીઓ અને આઈઆઈટી ઇન્દોરના નિષ્ણાતોનો સમાવેશ થશે. આ ટીમ રાજ્યમાં આફતો અને નુકસાનની વધતી જતી આવર્તનનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરશે.

તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આફતના સમયે હિમાચલ પ્રદેશની સાથે મજબૂતીથી ઉભી છે. અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનથી રાજ્યમાં વ્યાપક જાનહાનિ, માળખાગત સુવિધાઓ અને આજીવિકાને ભારે નુકસાન થઈ રહ્યું છે.

દરમિયાન, દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન હિમાચલમાં થયેલી ભારે આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રી કેન્દ્રીય ટીમ (આઈએમસીટી) મોકલી દીધી છે. આ ટીમ 18 થી 21 જુલાઈ સુધી રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે.

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશને મોટી નાણાકીય સહાય પહેલાથી જ જારી કરી દીધી છે. વર્ષ 2023 ની આપત્તિઓને કારણે થયેલા નુકસાનના વળતર અને પુનર્નિર્માણ માટે રૂ. 2006.40 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. 7 જુલાઈ, 2025 ના રોજ, તેના પ્રથમ હપ્તા તરીકે રૂ. 451.44 કરોડ જારી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (એસડીઆરએફ) માંથી રૂ. 198.80 કરોડના કેન્દ્રીય હિસ્સાનો પ્રથમ હપ્તો પણ 18 જૂન, 2025 ના રોજ રાજ્યને મોકલવામાં આવ્યો હતો. એનડીઆરએફ, સેના અને વાયુસેનાની 13 ટીમો પણ રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

આ દરમિયાન, હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્રના અહેવાલ મુજબ, ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં વાદળ ફાટવાની 22 ઘટનાઓ, અચાનક પૂરની 34 ઘટનાઓ અને ભૂસ્ખલનની 21 ઘટનાઓ બની છે. આ ઘટનાઓથી રાજ્યને અત્યાર સુધીમાં લગભગ 1234 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જાહેર બાંધકામ વિભાગને સૌથી વધુ નુકસાન થયું છે, જેનો અંદાજ છે કે 552 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે જળ શક્તિ વિભાગને 442 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

20 જૂનથી, રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 119 લોકો મૃત્યુ પામ્યા છે, 215 ઘાયલ થયા છે અને 34 લોકો ગુમ છે. સૌથી વધુ 21 મૃત્યુ મંડી જિલ્લામાં થયા છે, જ્યાં 27 લોકો હજુ પણ ગુમ છે. કાંગડામાં 19, કુલ્લુમાં 15, ચંબામાં 10, ઉના, સોલન અને હમીરપુરમાં 9-9 અને શિમલા અને બિલાસપુરમાં 8-8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાથી 377 ઘરો, 264 દુકાનો અને 945 ગૌશાળાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. 733 ઘરોને આંશિક નુકસાન થયું છે. એકલા મંડી જિલ્લામાં 350 ઘરો, 241 દુકાનો અને 767 ગૌશાળાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 560 ઘરોને આંશિક અસર થઈ છે. ખેતી અને પશુપાલનને પણ અસર થઈ છે. અત્યાર સુધીમાં 21,500 મરઘાં પક્ષીઓ અને 1288 પાલતુ પ્રાણીઓના મોત થયા છે.

હવામાન વિભાગે 21 થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી આપી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande