જુનાગઢ 20 જુલાઈ (હિ.સ.) ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની પ્રતિનિધિ ટીમમાંથી ડૉ.કોપલચૌબે અને ડૉ.સિંધુશેઓરાન દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે થયેલા એમ.ઓ.યુ. હેઠળ શૈક્ષણિક સહયોગના ભાગરૂપે તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રતિનિધિ મંડળનું સ્વાગત સંસ્થાના કુલપતિ ડૉ.વી.પી.ચોવાટિયા તથા યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓની મુલાકાત દરમિયાન આંતર રાષ્ટ્રીય ભાગીદારી, સંયુક્ત સંશોધન કાર્યો તથા ડયુઅલ ડિગ્રી કાર્યક્રમો બાબતે ચર્ચાઓ થઈ હતી. આ પ્રતિનિધિઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ડયુઅલ ડિગ્રી કાર્યક્રમો અને ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણની તકો બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ ઉપરાંત, ટીમ દ્વારા યુનિવર્સિટીની આધુનિક સુવિધાઓ જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ લેબોરેટરી, CAD- CAM લેબોરેટરી, માઈકોઇરીગેશન સિસ્ટમ્સ લેબ, એગ્રો- ફોટો વોલ્ટેઇક સંશોધન યુનિટ, બાયોચાર ઉત્પાદન એકમ અને NABL માન્યતા પ્રાપ્ત ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતથી બંને યુનિવર્સિટીઓના કૃષિ ક્ષેત્રે નવીનતા અને વૈશ્વિક શૈક્ષણિક શ્રેષ્ઠતાના દૃષ્ટિકોણને વધુ મજબૂતી મળેલી છે. તેમ ડિરેક્ટર ઓફ એક્સટેન્ડેડ એજ્યુકેશન ડો.એન.બી.જાદવ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ