જૂનાગઢ, 20 જુલાઈ (હિ.સ.) ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ આજરોજ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત દરમિયાન ખેડૂતો અને લખપતિ દીદીઓ સાથે પ્રેરણાદાયી સંબોધન અને સંવાદ કર્યો હતો.
મંત્રી એ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની આ મુલાકાત દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનો છે. કોઈ બહેન ગરીબ ન રહે, એ માટે દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનું અભિયાન શરૂ છે. તેમજ આગામી તારીખ ૧૫ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૨ કરોડ લખપતી દીદીઓ બનાવવાનનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું કે લખપતિ દીદી મતલબ કે તેમની આવક વાર્ષિક એક લાખથી વધુ હોય, પરંતુ જૂનાગઢમાં તો મિલેનિયમ દીદીઓ પણ છે જે વાર્ષિક ૧૦ લાખથી વધુની કમાણી કરી રહી છે.
કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, નારી તું નારાયણી એ સૂત્ર ગુજરાતની ગ્રામીણ મહિલાઓએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. મહિલાઓ ગોબર માંથી ગણેશની મૂર્તિ બનાવી અને લોકલ થી વોકલ હિંમતભેર આગળ વધી રહી છે. ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ બહેનો તેના પરિશ્રમથી કરશે. મંત્રી એ દીકરી હંમેશા પરિવારની મા-બાપની સાથે જીવનભર રહે છે તેમ ભાવસભર જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતના ખેડૂતો એ ખેતી ક્ષેત્રે કમાલ કર્યું છે. પ્રાકૃતિક કૃષિની મુહીમમાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. તેમને ઉમેર્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ કૃષિ છે.અને કૃષિની આત્મા ખેડૂત છે. સરકાર ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે નિરંતર પ્રયાસ કરી રહી છે. સરકાર દ્રારા ખેડૂતોનુ ઉત્પાદન વધે, ઉત્પાદન ખર્ચ ઘટે, ખેડૂતોને તેની પેદાસના પોષણક્ષમ ભાવ મળે, મગફળીને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જાહેર કરી અને ખરીદી રહી છે. અમારા માટે તો ખેડૂતોની સેવા ભગવાનની પૂજા સમાન છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ અને કૃષિ યોજનાઓની સિદ્ધિઓની વાત કરતા કહ્યું કે, ખેડૂતોની સાથે સરકાર છે.ક્યારેય પાકમાં નુકસાન થાય તો ફસલ બીમા યોજના જેવી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે.
આ તકે હસ્તકલા સહિત વિવિધ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં સફળ થયેલી મહિલાઓનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કૃષિ મંત્રીના હસ્તે મગફળી સંશોધન કેન્દ્રનો વાર્ષિક રીપોર્ટ ૨૦૨૪ નું પુસ્તક વિમોચન અને લખપતિ દીદીઓના સંકલનની બુકનું વિમોચન કર્યું હતું.કાર્યક્રમ પૂર્વે કૃષિ મંત્રી એન.આર.એલ.એમ યોજનાના વિવિધ સ્ટોલો અને પ્રાકૃતિક કૃષિ ના સ્ટોલની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમના આરંભે સંક્ષિપ્ત વિવરણ ડૉ. ડી.કે.યાદવ ઉપમહાનિર્દેશક, આઈ.સી.એ.આર, નવી દિલ્હી અને મગફળી સંશોધન કેન્દ્ર સંસ્થાની ઉપલબ્ધિઓનું વિવરણ ડૉ.એસ.કે.બેરા નિર્દેશક, આઈ.સી.એ.આર- આઈ.આઈ.જી.આર., જૂનાગઢ એ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, કલેકટર અનિલકુમાર રાણાવસીયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, કૃષિ યુનિવર્સિટી કુલપતિ વી.પી. ચોવટીયા સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ અને જીએલ પી એલના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ