જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહકો, મુસાફરો, યાત્રાળુઓની માહિતીની ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત રહેશે
જૂનાગઢ 20 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં જાહેર સલામતી, સુરક્ષાના કારણોસર અને કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડી, બોર્ડિંગ હાઉસ, ધર્મશાળા, મુસા
જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહકો, મુસાફરો, યાત્રાળુઓની માહિતીની ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત રહેશે


જૂનાગઢ 20 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં જાહેર સલામતી, સુરક્ષાના કારણોસર અને કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડી, બોર્ડિંગ હાઉસ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુઓ માટે રહેવાની સુવિધા ધરાવતા નિવાસ, ફાર્મ હાઉસ, રિસોર્ટ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ- વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો ઑનલાઇન વેબસાઇટ www.indianfrro.gov.in/frro તેમાં હોટેલના માલિકે અથવા સંચાલકે અવશ્ય રીતે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ આ અંગેના તમામ નિયમો અનુસરવાના રહેશે. જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહકો, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત રહેશે. ઉપરોક્ત તમામ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.પટેલ, જૂનાગઢ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર આઇ.વી.એફ.આર.ટી. એટલે કે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ નામની ઓનલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હોટલના માલિક અને સંચાલકોએ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. તેનો રેકર્ડ પણ નિભાવવાનો રહેશે અને આ તમામ જાણકારી એસ.ઓ.જી. ઓફિસ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ www.indianfrro.gov.in/frro/Form C આ લિંક પર જઈને ફોર્મ સી માં દરરોજ આવતા મુસાફરોની માહિતી અપલોડ કરીને સેવ કરવાની રહેશે. આ માહિતીની પ્રિન્ટ આઉટ જે તે સંસ્થા કે હોટલના માલિક કે સંચાલકે સહી સિક્કા કરીને એક નકલ પોતાના રેકર્ડમાં રાખવી. બીજી આવી જ નકલ એસ.ઓ.જી. કચેરી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે.

જૂનાગઢ જિલ્લામાં જ્યારે તમામ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં વિદેશથી વિદ્યાર્થીઓ આવે, ફેકલ્ટી આવે ત્યારે તેની માહિતી જે તે શૈક્ષણિક સંસ્થાના માલિકે અથવા સંચાલકે www.indianfrro.gov.in/frro/Form A આ લિંકમાં જઈને અપલોડ કરીને સેવ કરવાની રહેશે. ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટમાં, જે તે શૈક્ષણિક સંસ્થાના માલિકે અથવા સંચાલકે સહી સિક્કા કરીને પોતાના રેકર્ડમાં રાખવી. આવી જ બીજી નકલ એસ.ઓ.જી. કચેરી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે.

આવી જ રીતે તમામ ફોર્મ એ, બી, સી નું અલગ અલગ રજીસ્ટર બનાવવાનું રહેશે. ઓનલાઇન વેબસાઇટની સાથે ઓફલાઇન રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે. દરેક મુસાફર, યાત્રાળુ કે વિદેશી નાગરિકોના નકકર પુરાવા મેળવવાના રહેશે. લોકલ રેફરન્સ સિવાયના વિદેશી મુસાફરો કે અજાણ્યા લોકોના પ્રવાસ માટેનો શું ઉદ્દેશ્ય છે તે માહિતી ખાસ રીતે મેળવવાની રહેશે. આ ઉપરાંત આ તમામ માહિતી https://pathik.guru/ આમાં પણ નોંધણી કરાવવી જરૂરી રહેશે. કોઈપણ મુસાફર, યાત્રાળુ કે વિદેશી નાગરિકોની હિલચાલ જો શંકાસ્પદ જણાય તો તાત્કાલિક રીતે એસ.ઓ.જી. શાખાના ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૧૦૧, મોબાઈલ નંબર ૭૫૭૫૦ ૬૧૧૦૧, સ્થાનિક પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૩૦૬૦૩, મોબાઈલ નંબર ૯૫૧૨૨ ૧૧૧૦૦ પર જાણ કરવાની રહેશે.

આ ઉપરાંત સી.સી.ટી.વી. કેમેરા. અને તેના ત્રણ માસ સુધીના રેકોર્ડિંગના બેકઅપ સાચવવાના રહેશે. વિદેશી મુસાફરો જે વાહનમાં અવર જવર કરે તેની વિગતો પણ મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. તેમને મળવા આવતા ઇસમોની તમામ જાણકારી પણ અલગ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ સંબંધિત તમામ રજીસ્ટર, રેકર્ડ અને ડેટા પોલીસ જ્યારે જોવા માંગે ત્યારે તેને આપવાના રહેશે. જો ઑનલાઇન ડેટા એન્ટ્રી કરવામાં કોઈપણ સમસ્યા સર્જાય ત્યારે તાત્કાલિક રીતે એલ.આઇ.બી. શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, કલેક્ટર ઓફિસની બાજુમાં, જૂનાગઢ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

આ જાહેરનામું જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તારીખ ૦૬-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનારી કે અમલ ન કરનારી વ્યક્તિ વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande