પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરના ધનાવાડા ગામના અલ્પેશજી (ઉમર 23) અને તેની પ્રેમિકા પાટણથી જૂના ડીસા તરફ જઈ રહ્યા હતા. બંનેએ પાટણ ખાતે વકીલ પાસેથી પ્રેમલગ્ન માટેના કાનૂની દસ્તાવેજ તૈયાર કરાવ્યા હતા અને 19 જુલાઈએ લગ્ન નોંધણી કરાવવાનો નિર્ધાર કર્યો હતો.
18 જુલાઈના રોજ બપોરે સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના બસ સ્ટેન્ડ પાસે યુવતીના ભાઈ અને તેના 11 સાથીઓએ વર્ના અને ઈકો ગાડીમાં આવીને યુગલની કાર અટકાવી. છરી અને ધોકા બતાવી યુવકને ધમકાવ્યો અને ગાડીની ચાવી છીનવી લીધી.
ત્યારબાદ યુવતીને બળજબરીથી ગાડીમાંથી બહાર ખેંચી વર્ણા ગાડીમાં બેસાડીને લઈ ગયા. યુવતીના પરિવારજનોએ યુવકને કહ્યું કે પ્રેમલગ્ન કરીને તેમણે સમાજમાં આબરૂ કાઢી છે અને હવે તેઓ યુવતીને તેની સાથે રહેવા નહિ દે.
આ સમગ્ર ઘટના અંગે યુવકે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના ભાઈ અને અન્ય સાથીઓ સામે અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નોંધનીય છે કે યુગલ મૈત્રી કરાર હેઠળ સાથે રહેતો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર