ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે માણસ વામણો પૂરવાર થાય તેના કરતાં કુદરતી સમતોલન જાળવવા પ્રયાસો કરે તો ક્યાંક ફાયદો થઇ શકે અથવા પડકારોની અસરને હળવી કરવામાં મદદ મળે છે. કચ્છ જેવા અંતરિયાળ ભાગમાં પાણી એ સૌથી અગત્યનું પરિબળ છે અને જળસંવર્ધન માટે સહિયારી કામગીરી કરાય તો ભૂભાગ નંદનવન બને અને તળ ઊંચા આવે. આવા સહિયારા પ્રયાસોનું બીડું માંડવીના લોકપ્રતિનિધિએ ઉઠાવ્યું છે અને જનભાગીદારીથી કુલ 2 લાખ વૃક્ષોનું વાવેતર કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં થવાનું છે. 50 હજાર વૃક્ષો વવાઇ રહ્યા છે અને તેનું જો મૂલ્ય આંકીએ તો 15 કરોડની રકમની જનભાગીદારી બે તાલુકાના ગામોને નંદનવન બનાવવા ઉભી થઇ છે. આવો જાણીએ કુદરતની સાથે બાથ ભીડવાના બદલે બાથ ભરીને જવાબદારી નીભાવવાનો પ્રયાસ કરનારા ધારાસભ્યની પહેલ વિશે.
પ્રાથમિક પ્રશ્નોના ઉકેલની સાથે કાયમી સુધારણાનો ઉદ્દેશ
વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ પ્રજાના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો જ હોય છે. પરંતુ તેમના 5 વર્ષના લોકપ્રતિનિધિત્વના કાળમાં શું એવું કરવામાં આવે કે જે કુદરતી રીતે તેમના મત વિસ્તારના લોકોને કાયમી ધોરણે ઉપયોગી થઇ શકે. કચ્છના માંડવી મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે વિધાનસભામાં સંસ્કૃત ભાષા સહિતનો ઉપયોગ કરવામાં જાણીતા બન્યા છે. સાથે સાથે તેમણે તેમના મત વિસ્તારમાં સમાવાતા માંડવી અને મુન્દ્રા તાલુકામાં પર્યાવરણ વિષયક ઝુંબેશ માટે પણ જનભાગીદારી ઉભી કરી છે.
દાન, શખાવત અને સદભાવનાની પ્રેરણા
‘એક પેડ માં કે નામ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ બાદ ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ સ્થાનિક લોકો, સંસ્થાઓ, કંપનીઓ, અફકોર્સ મોટા ઉદ્યોગગૃહોને હાકલ કરી કે, રાજકોટના સદભાવના ટ્રસ્ટ સાથે મળીને માંડવી-મુન્દ્રા તાલુકાના વિસ્તારોમાં હજારો વૃક્ષો વાવવાના છે, ઉછેરવાના છે. તેમની આ અપીલ ઝીલી લેવામાં આવી અને 50 હજાર વૃક્ષો દત્તક લેવાઇ ગયા, લોકોએ આર્થિક જનભાગીદારી ઉભી કરી અને અંદાજે રૂપિયા 15 કરોડના ઝાડ આ બંન તાલુકાની ભૂમિ ઉપર લહેરી ઉઠે તેમ પ્રયાસો શરૂ થયા છે. ધારાસભ્ય દવેન કહેવા મુજબ કુલ 2 લાખ ઝાડના સંવર્ધનનું આયોજન છે.
વૃક્ષો મત નહીં આપે પણ પર્યાવરણીય સુધારો કાયમી કરશે
ધારાસભ્ય દવેના કહેવા મુજબ ઉગનારા વૃક્ષો ભવિષ્યમાં તેમને મત નથી આપવાના પણ તેમને લોકોની સેવા કરવાની તક મળી છે તેમાં પર્યવારણીય સુધારાનો અવકાશ પૂરો કરવાનો આ પ્રયાસ છે. જે હવામાન, વાતાવરણના ફેરફારમાં ક્યાંક ઉપયોગી બની શકશે. આ ઉપરાંત 200 જેટલા ચેકડેમ અને તળાવોની સુધારણા તથા નિર્માણ માટેના આયોજન ચાલે છે. જ્યાં 1000થી 1500 ટીડીએસ પાણી હતા ત્યાં 400થી 500 ટીડીએસ પાણી આવ્યા છે. મુન્દ્રા, માંડવીની ભૂખી, નાગમતી, વેગડી જેવી આઠેક નદીમાં જળસંરક્ષણ માટે બંધ ઉભા કરીને પાણીનું સંવર્ધન કરાશે.
જૈન સાધુના દર્શન બાદ અભિયાન શરૂ કર્યા
ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીના પ્રચાર દરમિયાન એક જૈન સાધુના દર્શન વખતે પર્યાવરણ બચાવ સહિતના ઉપદેશ ઉપરાંત કંઇક નવી પહેલ અપનાવવાના હેતુથી વૃક્ષ અભિયાન ઉપાડ્યું છે. અગાઉ વર્ષ 2005થી 10 વચ્ચે જ્યારે માંડવીના નગરપ્રમુખ હતા ત્યારે તળાવ સુધારણા સહિતના કામોના લીધે જળસંવર્ધન તેમની પ્રાથમિકતા રહી છે. જે હવે નગરથી વિસ્તારીને બે તાલુકા સુધી પહોંચાડી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA