પાટણ, 20 જુલાઈ (હિ.સ.) પાટણના યુનિવર્સિટી રોડ પર નવા બ્રિજની બાજુમાં રસ્તાની સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ છે. જિલ્લા પંચાયત ભવન, યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ અને હેલ્થ સેન્ટર તરફના માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયતના પ્રવેશદ્વાર સુધીના ભાગે બ્રિજની નીચે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
દ્વિચક્રીય વાહનચાલકો માટે આ માર્ગ દૂર્ઘટના માટે જોખમભર્યો બની ગયો છે. ખાડાઓમાં પાણી ભરાતા વાહનોને નુકસાન થાય છે અને લોકો ઇજાગ્રસ્ત થવાના ભયથી આ માર્ગ ટાળી રહ્યા છે. રાત્રિના સમયે અંધારામાં ખાડાઓ દેખાતા નથી, જેથી પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.
સ્થાનિક રહીશો અને કર્મચારીઓની તાત્કાલિક માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ અથવા બ્રિજનું કામ કરનાર એજન્સી ખાડા ભરી રસ્તો સમતલ કરે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, ડામર પાથરવાનું કામ અને સ્ટ્રીટલાઈટ લગાડવાની કામગીરી ત્વરિત કરવી જોઈએ જેથી સમસ્યાનું કાયમી સમાધાન થાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર