ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : શનિવારે કચ્છના જુદા જુદા તાલુકામાં શૂન્યથી બે ઇંચ સુધી વરસાદ પડી ગયા બાદ રવિવારે મેઘરાજાએ રજા ન પાડી હોય એમ પૂર્વ કચ્છમાં ચોમાસાનો માહોલ વધુ એક વખત જામ્યો હતો. બપોર બાદ અંજાર, ભચાઉ, રાપર તાલુકાના ગામોમાં ઝાપટાથી ધોધમાર સુધી વરસાદ થયો હતો. ઉલ્લેખનિય છે કે, જિલ્લા મથક ભુજમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ વરસાદ થવાની આશા સેવાઇ હતી પરંતુ ઝાપટા પડ્યા ન હતા.
ગ્રામીણ વિસ્તારોમાં વધુ વરસાદ
રવિવારે સવારના ભાગમાં રાબેતા મુજબ સૂર્યનારાયણ ઉગ્યા બાદ વરસાદની આશા ધૂંધળી બની હતી. જોકે, બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. અંજાર શહેર ઉપરાંત સિનુગ્રા, સાપેડા, અજાપર, ટપ્પર, સતાપર સહિતના ગામોમાં પાણી વરસ્યું હતું. આ ઉપરાંત ભચાઉના ગુણાતીતપુર, સામખિયાળી તથા રાપરના વણોઇ, વજેપર, કલ્યાણપર સહિતના ભાગોમાં ઝાપટા ચાલુ રહ્યા હતા. મુન્દ્રા તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ થયો હોવાના વાવડ મળ્યા છે. સાંજ સુધી પૂર્વ કચ્છના અંતરિયાળ ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે, ભારે વરસાદ ન હોવાના લીધે લોકોએ રજામાં વરસાદની મજા લીધી હતી. આગામી દિવસોમાં વધુ એક રાઉન્ડ આવે તેમ આગાહી કરાઇ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA