સુરત મહાનગરપાલિકાની દ્રષ્ટિએ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું: રૂ. 35.47 કરોડના ખર્ચે 07 નવી શાળાઓના નિર્માણની ખાતમુહૂર્તવિધિ
સુરત, 20 જુલાઈ (હિ.સ.)- શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા તરફ પગલું માંડતાં, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 35.47 કરોડના ખર્ચે 07 નવી પ્રાથમિક શાળાઓના ભવનોની ખાતમુહૂર્તવિધિ કેન્‍દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલ તથા મેયર દક્ષેશ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમા
Surat


સુરત, 20 જુલાઈ (હિ.સ.)- શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા તરફ પગલું માંડતાં, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 35.47 કરોડના ખર્ચે 07 નવી પ્રાથમિક શાળાઓના ભવનોની ખાતમુહૂર્તવિધિ કેન્‍દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલ તથા મેયર દક્ષેશ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં PMShri પારડી કણદે પ્રાથમિક શાળા નં. 367, સાઉથ ઝોન-બી (કનકપુર) ખાતે યોજાઈ હતી.

આ શાળાઓ દક્ષિણ, લિંબાયત, વરાછા એ-બી, રાંદેર સહિત વિવિધ ઝોનોમાં સ્થિત છે, જ્યાં કુલ 203 કલાસરૂમ બનાવવામાં આવશે અને અંદાજે 10,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા મળશે.

શાળાઓનું વિસ્તૃત સ્થાન:

સાઉથ ઝોન-બી: શાળા નં. 367 – પારડી કણદે

લિંબાયત ઝોન: શાળા નં. 195, 102, 63 – નવાગામ

વરાછા-એ ઝોન: શાળા નં. 94, 96 – બોમ્બે કોલોની પાસે, વરાછા રોડ

વરાછા-બી ઝોન: શાળા નં. 375 – સણીયા હેમાદ

રાંદેર ઝોન: શાળા નં. 319 – પાલ ગામ

મેયર દક્ષેશ માવાણીએ કહ્યું:“છેલ્લા 1.5 વર્ષમાં થયેલી ખાતમુહૂર્તવિધિઓમાંથી ડિસેમ્બર 2025 સુધીમાં 10 શાળાઓનું લોકાર્પણ શક્ય બનશે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 2,00,000થી વધુ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ અને બે જોડી સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવી છે. વર્ષ 2024માં 6,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દાખલા લીધા છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા ભારતમાં એવી એકમાત્ર મહાનગરપાલિકા છે જે 6 વિવિધ ભાષાઓમાં શિક્ષણ આપે છે. તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ના પરિણામો ક્રમશઃ 96% અને 94% રહ્યા છે.

ધારાસભ્ય સંદીપ દેસાઇએ કહ્યું:“એકસાથે 203 કલાસરૂમ માટે ખાતમુહૂર્ત વિધી એ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું છે. સુરત મહાનગરપાલિકા આજે ડુમસ સી ફેસ, તાપી રીવરફ્રન્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, રેલવે સ્ટેશન પુનઃવિકાસ જેવી મહત્વકાંક્ષી યોજનાઓમાં પણ અગ્રેસર છે.”

કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલએ શું કહ્યું:

હું પોતે પણ જિલ્લા શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કર્યો છું. સુરત મહાનગરપાલિકા એવી એકમાત્ર મહાનગરપાલિકા છે જ્યાં ધોરણ 8થી 12 સુધી અભ્યાસ કરાવાય છે. સમગ્ર દેશમાં સુરત ચોથી ઝડપથી વિકસતી સિટી તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે – 'જળ છે તો જીવન છે' અને 'જલ હે તો કલ હે' – આ સંદેશને કેન્દ્રમાં રાખીને પાણી બચાવવાનું આવશ્યક છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અગ્રણીઓ:

ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા, શહેરના કોર્પોરેટરો, શિક્ષકો, મિડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande