ભુજ – કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) અબડાસા તાલુકાના સુથરીના સીમાડામાં ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગતાં થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. તેનો તોતિંગ પાંખડું પાસેના ખેતર ધસી પડ્યું હતું. મોટી દુર્ઘટના ટળી હતી.
બપોર સુધી કંપનીમાંથી કોઇ ન આવ્યું
આ બનાવ અંગે ખેતર માલિક સુમરા ફકીર મામદ પોતાના ખેતરમાં મગફળીનો પાકનું વાવેતર કર્યું છે, તેનું રખોપું કરવા રાત્રિના સમયે ખેતરના શેઢે ખાટલો રાખીને સૂતા હતા. પાસે આવેલી પવનચક્કીમાં આગ લાગી હતી અને તે સુતા હતા તે ખાટલેથી થોડીક દૂર જ પવનચક્કીનો મોટું પાંખડું પડ્યું હતું. આમ તે જાનહાનીથી બચ્યા હતા. આગ સવારના લાગી હતી પણ બપોર સુધી આ આગને બુઝાવવાના કોઇ પ્રયત્નો કરાયા ન હોવાનું જણાવાયું હતું.
આવા ચારથી પાંચ બનાવ બન્યા, કિસાનોને યોગ્ય વળતર આપો
પવનચક્કીઓ વર્ષો જૂની થઈ જવાના કારણે આ વિસ્તારમાં ચારથી પાંચ આગના બનાવો બન્યા છે અને આસપાસના ખેતરોમાં નુકસાની પણ વેઠવી પડી છે ત્યારે તંત્ર આવી કંપનીઓ સામે પગલાં ભરે તેવું લાલા ગામના આમદ સંગારે જણાવ્યું હતું. બીજી તરફ સુથરીના સરપંચ અબ્દુલ રહીમ મંધરાએ જિલ્લા કલેકટરના પત્ર લખીને રજૂઆત કરી હતી કે સુથરી અને આજુબાજુના ગામડાઓમાં વાંરવાર આગ લાગવાના બનાવો બને છે. આગને કાબુમાં લેવા માટે કોઈ ફાયર ફાઈટરો કંપની પાસે નથી. આગના બનાવોના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન થાય છે. ખેડૂતોને યોગ્ય વળતર આપવામા તેવી લેખીત રજુઆત પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA