ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) જિલ્લાના કોડિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત અને ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂતોને સતત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મળતું રહે છે. જેના થકી પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર થઈ અને ખેડૂતો પોતાની ઉપજ વધારી રહ્યાં છે.
રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે આ તમામ વિભાગો દ્વારા નિયમિત તાલીમ યોજી અને ગ્રામ્ય કક્ષાએ પરંપરાગત કૃષિ કરતાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે.
'આત્મા' યોજના અંતર્ગત ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી ઉત્પાદન વધારવા અંગે તાલીમ આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટે નિષ્ણાતો દ્વારા પાંચ આયામો બનાવવામાં આવ્યા છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને જૈવ વિવિધતાનો સમાવેશ થાય છે.
જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને ત્યાં મુલાકાત પણ કરવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સમયાંતરે પ્રાકૃતિક ખેત તાલીમનું પણ આયોજન હાથ ધરવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિ તાલીમના માધ્યમથી ખેડૂતોને ઘનજીવામૃત, ગૌ આધારિત કૃષિનું મહત્વ સમજાવવાની સાથે જ ખેતીલક્ષી વિગતોનું આદાન પ્રદાન પણ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ વિશે આત્મા સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે.
આમ, સતત માર્ગદર્શન અને સૂચનાઓના માધ્યમ થકી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિના માધ્યમથી માહિતગાર થઈ અને પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ