મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા અને વિજાપુર વચ્ચેના હાઇવે પર આવેલ વસઈ રેલવે ફાટક પર રેલવે લાઇનના નવિનકરણના કામને લઇને આજે મંગળવારે રાત્રે વાહન વ્યવહાર થોભી જશે. રેલવે વિભાગ દ્વારા અપાયેલા નિવેદન અનુસાર રાત્રે સાડા અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે વહેલી સવારે સવા ત્રણ વાગ્યા સુધી હાઇવે ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ સમયગાળામાં વસઈ ફાટક પર ગેટ બદલવાનું કાર્ય હાથ ધરાશે, જેમાં લગભગ 80 મીટરની જગ્યા પર જમીનનું સમતલિકરણ, પથ્થરો નાંખવા અને નવી રેલવે પાટા બિછાડવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી પૂરી થયા બાદ જ હાઇવે ફરીથી વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાશે.
મહેસાણાના મુખ્ય માર્ગમાં આવતું આ રેલવે ફાટક મોટા પ્રમાણમાં ટ્રાફિક ધરાવતું છે, તેથી આ કામ દરમિયાન લોકોએ મુશ્કેલી ન પડે તે હેતુસર રાત્રિના સમયને પસંદ કરવામાં આવ્યો છે. રેલવેના થૂ રેલ નવીનીકરણ વિભાગે આ કામ માટે અગાઉથી નોટિફિકેશન બહાર પાડીને લોકોને આગાહી આપી દીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR