સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનમાં ચાલતી ખાનગી કેબલ લાઈનીંગ કામગીરી દરમિયાન સુદામા ચોક ખાતે મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ગંભીર ભંગાણ થયું હતું. ઓરેન્જન્સ બીસ્ટ પ્રા. લિ. દ્વારા HDPE પદ્ધતિથી ચાલતી કેબલ લાઈનના કામ દરમિયાન ડિસેમ્બર 2024માં આ નુકસાન થયું હતું.
ડ્રેનેજ લાઈન ડેમેજ થતાં મજબૂરીવશ સુદામા ચોક નજીકનું સુએઝ પમ્પીંગ સ્ટેશન બંધ કરવું પડ્યું હતું. પરિણામે, મોટાવરાછા-અબ્રામા વિસ્તારના નાગરિકોને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો અને આરોગ્યના જોખમ પણ ઉભા થયા હતા.
પાલિકાએ તાત્કાલિક લાઈનમાં સુધારાનું કામ હાથ ધર્યું અને અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરી. આ કામગીરીમાં થયેલો ખર્ચ વસૂલવા માટે પાલિકાએ સંબંધિત એજન્સીને નોટિસ આપી હતી. નોટિસ છતાં પેમેન્ટમાં વિલંબ થતા પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
અંતે, એજન્સીએ દંડ રૂપે રૂ. 2 લાખ પાલિકામાં જમા કરાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે