પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર નજીકના શ્રીનગર ગામે એક ઈસમ તેના વાડામાં દારૂ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે, તેવી બાતમી મળતા બગવદર પોલીસે દરોડો પાડયો હતો જે સફળ રહ્યો હતો અને દારૂનો ધંધો કરતા ઈસમને દારૂની 96 બોટલ સાથે પકડી લીધો હતો તથા તેને માલ પુરો પાડનાર બોરીચાના શખ્સ સામે પણ ફરીયાદ થઈ છે.બગવદર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે,શ્રીનગર ગામે રબારી કેડામાં રહેતો સરમણ ભુપત હુંણ નામનો ડ્રાઈવિંગનો ધંધો કરતો 32 વર્ષનો યુવાન દારૂનો ધંધો પણ કરી રહ્યો છે અને તેના વાડામાં દારૂની બોટલો રાખીને વેચાણ કરી રહ્યો છે.જેથી બગવદર પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડયો હતો અને દરોડા સમયે સરમણ હુંણ હાજર મળી આવ્યો હતો.વાડામાં તલાસી લેતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની 96 બોટલ કે જેની કિંમત રૂ.25,920 થાય છે તે મળી આવી હતી અને પોલીસે સરમણની ધરપકડ કરીને પુછપરછ કરતા આ દારૂનો મુદ્દામાલ તેને બોરીચા ગામના બુટલેગર આલા દાના ચાવડાએ પુરો પાડયો હોવાની કબુલાત કરી હતી આથી પોલીસે આલા સામે પણ ગુન્હો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya