અમરેલી 5 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા વિસ્તારના પ્રભાવશાળી ભાજપ નેતા શ્રી વિપુલ દુધાતે શેત્રુજી નદીમાંથી થઇ રહેલી વિધિવિરૂપ ખનીજ ચોરી મુદ્દે તંત્ર સામે આકરા પાણીએ આવ્યા છે. તેમણે આ મામલે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઊઠાવી છે.
વિપુલ દુધાતે સોશિયલ મીડિયામાં ખનિજ ચોરી કરતી ટ્રેક્ટરોના વીડિયો વાયરલ કર્યા છે, જેમાં રેતી ભરેલી વાહનો શેત્રુજી નદી પરથી પસાર થતી જોવા મળે છે. તેમના મતે, ખાણ ખનીજ વિભાગ અને અમરેલી પોલીસ તંત્રની મિલીભગતથી આ ચોરી ચાલુ છે.
તેમણે મુખ્યમંત્રીને ફરીવાર લેખિત રજૂઆત કરી છે કે, આ ચોરીને અટકાવવા માટે IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં વિશેષ તપાસ સમિતિ રચી નિષ્ઠાવાન તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વિપુલ દુધાતે કહ્યું કે, આવા કૃત્યો વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને સરકારી આવકને પણ નુકશાન કરે છે. તેઓએ આ મુદ્દે રાજ્ય સરકાર અને તંત્રની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
તેમના આ નિવેદન અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યા છે અને સમગ્ર જિલ્લામા ચર્ચાનો વિષય બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai