પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં નગરપાલિકાએ મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવવાની જાહેરાત તો કરી હતી, પરંતુ કોઈ વ્યવસ્થા ન થતાં લોકોએ પદમનાથ કેનાલથી ખાનસરો તરફ જતી પીવાના પાણીની કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કર્યું. મૂર્તિઓમાં કેમિકલયુક્ત રંગો, અબીલ, ગુલાલ, કંકુ, ચુંદડી અને ફૂલહાર જેવી સામગ્રી હોવાને કારણે પાણી પ્રદૂષિત બન્યું છે, જેને પાટણના લોકો પીવાના રૂપે વાપરે છે.
સોશિયલ મીડિયામાં વિસર્જન મુદ્દે થયેલી ચર્ચાઓ બાદ નગરપાલિકાએ જણાવ્યું હતું કે, તમામ મૂર્તિઓ બહાર કાઢી લેવાઈ છે. તેમ છતાં, બે દિવસ બાદ પણ કેનાલમાં મૂર્તિઓ અને બીજી સામગ્રી નજરે પડી રહી હતી. આ સ્થિતિમાં શહેરના કોંગ્રેસ કોર્પોરેટર ભરત ભાટિયા, પ્રમુખ દીપક પટેલ, ભૂરા સૈયદ અને અન્ય આગેવાનો પોતે પાણીમાં ઉતરીને મૂર્તિઓ બહાર કાઢવા માટે પ્રયાસો કર્યા હતા.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ ઊભી કરી છે કે, પદમનાથ કેનાલથી સિદ્ધિસરોવર તરફ જતી કેનાલને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવે અને કેમિકલયુક્ત ગંદકી દૂર કરીને પીવાનું પાણી શુદ્ધ રાખવામાં આવે. આરોગ્યસંદર્ભે નગરપાલિકા વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરે તેવી લોકોમાં અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર