પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીધી હોવાથી ચકચાર મચી ગઈ છે. પરિવારના પુત્ર વિમલ રાવલએ અલગ જાતની યુવતી પ્રિયા સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પિયરપક્ષ તરફથી વારંવાર ધમકી મળતી હતી. આથી વિમલ, તેની પત્ની પ્રિયા તથા માતા-પિતા બળદેવ અને કમુબેને ગટગટાવેલી ઝેરી દવા લીધા બાદ ચાણસ્મા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર લઈ જવાયા છે.
વિમલની બહેન માધવીના જણાવ્યા પ્રમાણે, ભાભી પ્રિયા માટે પિયરપક્ષના લોકો વારંવાર ઘરે આવીને ધમકી આપતા હતા કે “અમારી છોકરીને પાછી આપી દો.” આ કારણે વિમલ અને તેના પરિવારના સભ્યો તણાવમાં આવી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ માધવીને ત્યારે પડી જ્યારે તે ન્હાઈને બહાર આવી અને પરિવારના સભ્યો બેહોશ હાલતમાં હતાં. ત્યારબાદ તેણે તાત્કાલિક 108ને જાણ કરી હતી.
વિમલ અને પ્રિયાએ જણાવ્યું કે, તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા અને લગ્નનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. છતાંય પિયરપક્ષના લોકો તેમને સતત ધમકી આપતા હતા. પ્રિયાએ 181 હેલ્પલાઇનમાં પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેમ છતાં પિયરપક્ષના લોકો કહેતા હતા કે “પોલીસ પણ અમારું કંઈ ઉખાડી શકે નહીં” અને હુમલા કરાવવાની પણ કોશિશ કરી હતી.
મેડિકલ ઓફિસર ડૉ. અંકિતા પટેલના જણાવ્યા અનુસાર, ચારેય દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. પ્રિયાએ પુષ્ટિ આપી કે માનસિક ત્રાસથી કંટાળી પરિવારે આ પગલું ભર્યું છે. હાલ હોસ્પિટલમાં તમામની તબીબી તપાસ અને સારવાર ચાલુ છે. પરિવાર તરફથી માંગ કરવામાં આવી છે કે આરોપી પિયરપક્ષના લોકોને કાયદેસર સજા થાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર