પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત એલ.એન.કે. કૉલેજ ઑફ એજ્યુકેશન (સી.ટી.ઈ.), પાટણમાં 58મી બેચનો પ્રવેશોત્સવ તા. 04/08/2025ના રોજ ઉજવાયો હતો. આ કાર્યક્રમ પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયો હતો જેમાં નવા પ્રશિક્ષણાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાએ દરેક પ્રશિક્ષણાર્થીને છોડ આપ્યો અને તેના ઉછેરની જવાબદારી પણ સોંપી હતી.
આ પ્રવેશોત્સવમાં NGES કેમ્પસના CDO જય ધ્રુવ અને એક્ઝિક્યુટિવ મેમ્બર પ્રો. અરવિંદ સ્વામીએ હાજરી આપી હતી અને પ્રશિક્ષણાર્થીઓને શિક્ષણસફર માટે શુભકામનાઓ આપી હતી. કોલેજના આચાર્ય ગંગારામભાઈ પ્રજાપતિએ પ્રવેશોત્સવના આરંભે કોલેજના ઐતિહાસિક વિધિઓ અને શિક્ષક તરીકેની જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
કોલેજના અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ અને સીનિયર પ્રશિક્ષણાર્થીઓએ જુનિયર્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો, જેમાં કોલેજ કેમ્પસને વધુ હરિયાળું અને પર્યાવરણીય રીતે સભાન બનાવવાનો સંદેશ અપાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર