પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-2020)ના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધી NEP-2020 સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ શૈક્ષણિક સમુદાયને NEP-2020 ની પ્રગતિ, સુધારા અને પરિવર્તનકારી પરિણામો વિશે માહિતગાર કરવો હતો. આ અવસરે યુનિવર્સિટીના તમામ વિભાગોએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ NEP સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે એલોક્યુશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, હેકાથોન, ક્વિઝ અને નિબંધ સ્પર્ધા. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે, વિદ્યાર્થીઓમાં NEP અંગે જાગૃતિ વધારવાના આશયથી વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો પણ યોજાયા.
NEP-2020 ની મહત્વપૂર્ણ બાબતો જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સિસ્ટમ અને NEP અવેરનેસ જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન IQAC કોઓર્ડિનેટર પ્રો. સંગીતા શર્માએ કર્યું હતું, જ્યારે કુલપતિ પ્રો. કે.સી. પોરિયા અને કુલસચિવ ડો. રોહિતભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ NEP સપ્તાહને સફળતા મળી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર