બોટાદ, 5 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ બોટાદ જિલ્લામાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રોમાં પ્રથમ મંગળવાર નિમિતે સુપોષણ સંવાદ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત દર મહીનાના પ્રથમ મંગળવારે આ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ બાળકો, ગર્ભવતી તથા ધાત્રી માતાઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ગ્રામજનોને સંતુલિત આહારનું મહત્વ, પોષક તત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થોની ઓળખ તથા યોગ્ય આહાર લેવાથી થતી આરોગ્યલાભોની માહિતી આપવામાં આવી. માતાઓને બાળકો માટે ઘરેલુ સ્તરે ઉપલબ્ધ પોષક વાનગીઓ બનાવવાની રીતોનું પ્રદર્શન પણ કરાયું. ઉપરાંત, ગર્ભવતી અને ધાત્રી મહિલાઓના આરોગ્ય ચકાસણી કેમ્પો પણ યોજાયા, જેમાં હિમોગ્લોબિન, વજન અને બ્લડપ્રેશરની તપાસ કરવામાં આવી.
બાળકો માટે વૃદ્ધિ માપન (Growth Monitoring) કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં તેમના વજન અને ઊંચાઈનું નિરીક્ષણ કરી પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરાયું. કુપોષણગ્રસ્ત બાળકોની ઓળખ કરી તેમના માટે વિશેષ પોષણ યોજના અંગે માર્ગદર્શન અપાયું. આ પ્રસંગે ગામના સજાગ નાગરિકો, સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
સુપોષણ સંવાદ દિવસના અવસરે વિવિધ આંગણવાડી કેન્દ્રોએ પોષણ પર આધારિત પ્રદર્શનીઓ, ચાર્ટ, પોસ્ટર અને મોડેલ્સ દ્વારા જનજાગૃતિ ફેલાવી. ઉપસ્થિત તમામને પોષણયુક્ત ખોરાકના નમૂનાઓનો વિતરણ કરી તેનો સ્વાદ ચખાડવામાં આવ્યો.
આ કાર્યક્રમથી લોકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી તથા કુપોષણ નિવારણ માટે સમુદાય સ્તરે એકતા અને સહકારનું મહત્વ સમજાયું. બોટાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલ આ સુપોષણ સંવાદ દિવસ, પોષિત અને સ્વસ્થ સમાજ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai