અમરેલી 5 ઓગસ્ટ (હિ.સ.) માનવ મંદિર આશ્રમ ખાતે ડો. પ્રકાશ કટારીયા અને પ્રણવભાઈની વિશિષ્ટ મુલાકાત
સાવરકુંડલા નજીક સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર માનવ મંદિર આશ્રમમાં આજે વિશિષ્ટ ભાવનાથી ભરેલી મુલાકાત નોંધાઈ હતી. જાણીતા સેવાભાવી અને સમાજસેવી ડૉ. પ્રકાશ કટારીયા તથા પ્રણવભાઈએ માનવ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજ્ય મોરારીબાપુની પવિત્ર કુટિરે આવીને વંદન કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન પૂજ્ય ભક્તિબાપુ સાથે આત્મિય સંવાદ થયો હતો. ડૉ. કટારીયા અને પ્રણવભાઈએ આશ્રમમાં ચાલતી આધ્યાત્મિક અને માનવસેવાની પ્રવૃત્તિઓની માહિતી મેળવી અને પૂજ્ય ભક્તિબાપુ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. તેઓએ પૂ. ભક્તિરામ બાપુ દ્વારા સ્થાપિત અને સંચાલિત માનવ મંદિર આશ્રમના કાર્ય અને વિઝનની ખૂબ પ્રશંસા કરી હતી.
ડૉ. કટારીયાએ જણાવ્યું હતું કે માનવ મંદિર માત્ર એક આશ્રમ નહીં પણ સંસ્કાર, શાંતિ અને સેવાની શ્રેષ્ઠ પરંપરાનું પ્રતિબિંબ છે. તેઓએ ઉમેર્યું હતું કે આજે જે શાંતિ અને શક્તિનો અનુભવ અહીં થયો તે જીવનભર સ્ફૂર્તિ આપશે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ આત્મિક સમૃદ્ધિ અને સત્સંગના માધ્યમથી જીવનમૂલ્યોને સમજવો અને આત્મવિકાસ તરફ આગળ વધવાનો હતો. અંતે તમામ મહેમાનોને આશ્રમ દ્વારા સત્કારપૂર્વક આવકારવામાં આવ્યા હતા અને ભક્તિભાવથી યુક્ત વાતાવરણમાં મુલાકાત પૂરી થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai