ચોરીના પાપનો ક્ષય કરતું અને ચોરાયેલી વસ્તુ પાછી મેળવવામાં નિમિત્ત બનતું દેવસ્થાન
સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)-જ્યાં દર્શન માત્રથી મનુષ્યના સઘળા પાપકર્મનો અને એમાં પણ ખાસ કરીને ચોરી કરવાના પાપનો ક્ષય થાય છે તેવું તાપીના તટે વસેલું અતિ પ્રાચીન અને પૌરાણિક સ્તેનેશ્વર મહાદેવનું મંદિર, સુરતના ઓલપાડ તાલુકાના તેના ગામમાં આવેલું છે. સ્વયંભૂ સ્ત
Surat


સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)-જ્યાં દર્શન માત્રથી મનુષ્યના સઘળા પાપકર્મનો અને એમાં પણ ખાસ કરીને ચોરી કરવાના પાપનો ક્ષય થાય છે તેવું તાપીના તટે વસેલું અતિ પ્રાચીન અને પૌરાણિક સ્તેનેશ્વર મહાદેવનું મંદિર, સુરતના ઓલપાડ તાલુકાના તેના ગામમાં આવેલું છે. સ્વયંભૂ સ્તેનેશ્વર મહાદેવનાં શિવલીંગની વિશેષતા એ છે કે, તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજીત છે. જેથી તેને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ ગણવામાં આવે છે.

વિશ્વની અતિ પ્રાચીન નદીઓની એક એવી સૂર્યપુત્રી તાપી નદી અને સમુદ્રના સંગમ સ્થાન તરીકે જાણીતા તેના ગામમાં આવેલા સ્તેનેશ્વર મહાદેવના દર્શનથી લોકો ધન્યતા અને પરમ સંતોષની અનુભૂતિ કરે છે. ઓલપાડના કાંઠે આવેલા આ પૌરાણિક મંદિરનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે. સ્કંદપુરાણ અંતર્ગત તાપીપુરાણમાં શ્રી સ્તેનેશ્વર મહાદેવનો મહિમા અને મહાસાગરનું મંથન કરતાં મળેલા અમૃતકુંભની કથા વર્ણવાયેલી છે.

જે અનુસાર દેવો અને અસૂરો વચ્ચે થયેલા સમુદ્રમંથનમાં પ્રભુ ધન્વંતરી અમૃત કળશ લઈ બહાર નીકળ્યા ત્યારે હર્ષિત દેવોએ બ્રહ્માજીને કહ્યું, કે જો સર્વ લોકમાં દુર્લભ એવું અમૃત પ્રાપ્ત થયું છે, તો સુતીર્થમાં સ્નાન કરીને જ તેનું સેવન કરીએ. જેના પ્રત્યોત્તરમાં બ્રહ્માજીએ કહ્યું કે, સુર્ય પુત્રી તાપીના સમુદ્ર સંગમ સિવાય અન્ય કોઈ સર્વશ્રેષ્ઠ તીર્થ નથી. ત્યાં અમૃતપાન કરવાથી તમારું અવશ્ય કલ્યાણ થશે. સર્વે તીર્થોમાં શ્રેષ્ઠ અને કલ્યાણ કરનાર તાપી સમુદ્રનો સંયોગ અમૃતોમાં ઉત્તમ છે. આ સાંભળી બ્રહ્મા સહિત તમામ દેવો તાપી નદીના તટે આવી દેવોએ પાથરેલા દર્ભો પર અમૃતનું કળશ મૂક્યું. ત્યાં રોગોનો નાશ કરનાર ધન્વંતરી સ્વયં ઉભા રહયા અને બાકીના દેવો સ્નાન કરવા ગયા. તે વખતે માયાવી અસુરે મુનિના વેશમાં અમૃતકળશની ચોરી કરી. તે ફરી મેળવવા દેવો અને અસુરો એ ભગવાન શિવજીનું પૂજન અર્ચન કર્યું. જેથી શિવજી પ્રસન્ન થયા અને તે દિવ્ય સ્થાનનું મહાલિંગ “સ્તેનેશ્વર”ના નામે જાણીતું થયું. ત્યાં જ વિશ્વને મોહિત કરનાર શ્રી હરિ નારાયણે મોહિની રુપ ધારણ કર્યું. તે મોહિની રુપથી મોહી બની સર્વ દાનવોએ અમૃત કળશ તેણીને આપ્યું. મોહિની સ્વરૂપ ભગવાન નારાયણે સ્તેનેશ્વર સ્થાન પર દેવોને અમૃત પાન કરાવ્યું. આ દેવોને આનંદ આપવાનું તીર્થરાજ કહેવાયું તેથી સ્તેનેશ્વર તીર્થ સર્વ મનોરથો પૂર્ણ કરનાર ગણાય છે. સ્તેનેશ્વર મહાદેવના દર્શન માત્રથી સામૂહિક પાપ સુધ્ધાં ધોવાઈ જાય છે. માગસર સુદ એકાદશી, મૌની એકાદશી, મોક્ષદા એકાદશીથી અતિપાપી પણ સ્વર્ગમાં જાય છે એવો તેનો મહિમા છે.

સંસ્કૃતમાં ‘સ્તેન’નો અર્થ ચોરી થાય છે. અને સ્તેનેશ્વર એટલે ચોરી થયેલું પાછું આપનાર તેમજ ચોરીના પાપનો નાશ કરનાર ભગવાન. એટલે જ સ્તેનેશ્વરનો મહિમા અન્ય મંદિરોથી અનેરો છે. કહેવાય છે, મહાદેવના ૧૨ જયોર્તિલિંગ બાદ સ્તેનેશ્વર મહાલિંગમ દર્શનનો લાભ અનન્ય છે.

તેથી જ અતિ પૌરાણિક સ્તેનેશ્વર મહાલિંગમ્ શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. હાલ પવિત્ર શ્રાવણ દરમિયાન પ્રભુ શિવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો કાવળ લઈ તેમજ પગપાળા મંદિરે આવે છે. શુભ દિવસોમાં આ મંદિર શિવ ભક્તોથી ઉભરાયેલું અને હર હર મહાદેવના નાદથી ગુંજતું રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande