ભગવાન સ્વામિનારાયણે નંદસંતો દ્વારા જીવંત રખાવીને સંગીતશાસ્ત્રને ખૂબ ન્યાય આપ્યો હતો
ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો
ભજનમાં શિક્ષિકા દવે પ્રિયંકાબેન અને તબલાવાદનમાં મિશ્રા સાર્થક પ્રથમ નંબર તેમજ સુગમ સંગીતમાં સંગીત શિક્ષક નિકોલસ પાંડવે તૃતીય ક્રમાંક મેળવ્યો
ભરૂચ 5 ઓગસ્ટ (હિ.સ.)
અંકલેશ્વરની ગુરુકુલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ઉચ્ચ સ્થાને આવી તેમનું કૌશલ્ય બતાવ્યું .
ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સમકાલીન સમયે રાસ, ગરબા, લોકનૃત્ય, લગ્નગીત, ભરતનાટ્યમ, ચિત્રકલા, સુગમ સંગીત, ભજન - કીર્તન, તબલા, પખાજ, સિતાર, હાર્મોનિયમ અને સારંગી જેવી વિવિધ કલાઓને પોતાના નંદસંતો દ્વારા જીવંત રખાવીને સંગીતશાસ્ત્રને ખૂબ ન્યાય આપ્યો છે. એ જ પરંપરાને અંકલેશ્વર ગુરુકુલ સાર્થક કરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર આયોજિત સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભની અનેકવિધ સ્પર્ધાઓમાં ગુરુકુલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
જેમાં ભજન ઓપન સ્પર્ધામાં 130 ગાયકોમાંથી શાળાના શિક્ષિકા દવે પ્રિયંકાબેન પ્રથમ નંબર, તબલાવાદન સ્પર્ધામાં 40 થી વધુ તબલાવાદકોમાં શાળાના વિદ્યાર્થી મિશ્રા સાર્થક પ્રથમ નંબર તેમજ સુગમ સંગીત સ્પર્ધામાં 100 થી વધારે ગાયકોમાંથી શાળાના સંગીતશિક્ષક નિકોલસ પાંડવે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને ગુરુકુલિય પ્રાચીન સંગીત પરંપરાને જાળવી ગૌરવ અપાવ્યું હતું. ભવ્ય સફળતા મેળવનારા સંગીતજ્ઞોને સંસ્થાના વડા કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી કિશોર પાનસુરીયા, આચાર્યા અમિતા શ્રીવાસ્તવે ખૂબ ખૂબ અભિનંદન સાથે બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ